રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ દુબઇથી ગુરુવારે મોડી રાત્રે પરત ફર્યું હતું. મુખ્યમંત્રી સહિત બીજા અધિકારીઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા જ્યાં તેમનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હાલમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ખતરો તોડાઇ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં જે પણ મુસાફર ભારતમાં આવે છે તેનો એરપોર્ટ પર જ કોરોના ટેસ્ટ કરવામાં આવે છે અને નેગેટીવ આવતાં તેને સાત દિવસ માટે કોરન્ટાઇન થવાની સુચના આપવામાં આવે છે આ જ ગાઇડ લાઇનના પાલનના ભાગ રૂપે મુખ્યમંત્રી અને તેમના પ્રતિનિધિ મંડળનો કોરોના ટેસ્ટ એરપોર્ટ ખાતે કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંચાલનમાં ગુજરાતનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ બુધવારે સવારે દુબઈ જવા નીકળ્યું હતું. PM નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં જાન્યુઆરી 2022માં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ની 10મી એડિશનમાં UAEના ઉદ્યોગ રોકાણકારોની સહભાગિતા પ્રેરિત કરવા માટેમંડળ 2 દિવસના દુબઈના પ્રવાસે ગયું હતું.
મુખ્યમંત્રી સાથે આ પ્રતિનિધિમંડળમાં ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને અગ્રણી ઉદ્યોગકારો જોડાયા હતા. આ વિદેશ પ્રવાસનો પ્રારંભ દુબઇમાં યોજાઇ રહેલા વર્લ્ડ એક્સપોની મુલાકાતથી થયો હતો. ભૂપેન્દ્ર પટેલ આ એક્સપોના સ્થળ પર જ UAE ના કેબિનેટ મેમ્બર અને મિનિસ્ટર ઓફ ટોલરન્સ એન્ડ કો-એક્ઝીસ્ટન્સ શેખ નાહયાન બિન મબરક અલ નાહ્યાન સાથે મુલાકાત બેઠક યોજી હતી.