ચીનને ફરી કાચિંડાની જેમ પોતાનો રંગ બદલ્યો છે અને લદ્દાખ બોર્ડરની આસપાસ પોતાની ગતિવીધીઓ વધારી દીધી છે.. ચીને પૂર્વ લદ્દાખ બોર્ડર પાસે હોટન એરપોર્ટ પર 25 ફાઈટર એરક્રાફ્ટ તૈનાત કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમાં J-20 અને J-11 જેવા ફાઇટર જેટનો સમાવેશ થાય છે. અગાઉ ચીન અહીં મિગ-21 જેવા વિમાન રાખતું હતું. ચીનની વાયુસેના ઓછી ઉંચાઈના મિશનને મંજૂરી આપવા માટે ભારતીય ક્ષેત્રની નજીક નવા એરફિલ્ડ્સ બનાવી રહી છે. J-20 એક કલાકમાં 2100 કિમીનું અંતર કાપી શકે છે. હોટનથી દિલ્હીનું હવાઈ અંતર લગભગ 1,000 કિમી છે, એટલે કે અહીં પહોંચવામાં અડધો કલાક જ લાગશે. ચીને કાશગર, હોટન અને નગારી ગુંસા એરબેઝને અપગ્રેડ કર્યા છે, જેથી વધુ સૈનિકોની અવરજવર થઈ શકે. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે ચીને છેલ્લા કેટલાક દિવસોમાં સરહદી વિસ્તારોમાં ફાઈટર પ્લેનની સંખ્યા બમણી કરી દીધી છે.
ચીન લદ્દાખ પાસે વધુ એક નવો પુલ બનાવી રહ્યું છે, જેના દ્વારા બખ્તરબંધ વાહનો પણ જઈ શકશે. ચીને આ વર્ષે માર્ચમાં એક નાનો પુલ બનાવ્યો હતો. રિપોર્ટ અનુસાર નવો બ્રિજ સંપૂર્ણપણે જૂના બ્રિજને અડીને છે. આપને જણાવી દઇએ કે જૂન 2020માં, ગાલવાન ઘાટીમાં ચીન અને ભારત વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં ભારત અને ચીન બંનેના સૈનિકો માર્યા ગયા હતા. આ ઘટના બાદ શાંતિ મંત્રણાના 15 થી વધુ રાઉન્ડ થઈ ચૂક્યા છે, પરંતુ હજુ સુધી બંને વચ્ચે કોઈ સમાધાન થયું નથી.