રાજ્યમાં કોરોનાનો અને નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ખતરો વધતો જઇ રહ્યો છે, દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ લોકો પણ કોરોનાના ડરને ભૂલીને કોવિડ ગાઇડલાઇનનો ભંગ કરી રહ્યા છે. ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક ગાંધીનગર સ્થિત સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. એક તરફ કોરોના વધી રહ્યો છે, ત્યારે બીજી લહેરની જેમ લોકો પરેશાન ના થાયે તે માટે આરોગ્ય તંત્ર કેટલું સજ્જ છે તેનો તાગ મેળવવા મુખ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલની સરપ્રાઇઝ વીઝીટ કરી હતી. અહિયાં ભૂપેન્દ્ર પટેલે કોવિડ અને ઓમિક્રોનની માહિતી મેળવી હતી. સાથે જ સારવાર લઇ રહેલા દર્દીઓ સાથે વાતચીત પણ કરી હતી અને સારવાર અને દવાઓ તથા સાફસફાઇ અંગના અભિપ્રાય જાણ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 204 કેસ નોંધાયા છે.. જેમા સૌથી વધુ અમદાવાદમાં 100 કેસ નોંધાયા છે. તો રાજકોટમાં 36, સુરતમાં 23, વડોદરામાં 17 કેસ અને ગાંધીનગરમાં 5 કેસ,ખેડામાં 4 કેસ, મહિસાગરમાં 3 કેસ, કચ્છ,આણંદ અને ભરૂચમાં 2-2 કેસ નોંધાયા છે..