સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણને લઇને તમામ લોકોમાં ઘણી ઉત્સુકતા અને તેનાથી થનારી અસરોને પણ જાણવા ઘણા ઉત્સાહિત હોય છે ત્યારે વર્ષ 2021નું છેલ્લું અને બીજું ચંદ્રગ્રહણ 19 નવેમ્બર 2021ના રોજ થવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણને સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ કહેવાય છે. જ્યોતિષની દૃષ્ટિએ ચંદ્રગ્રહણનું ઘણું મહત્વ છે. શાસ્ત્રોમાં ગ્રહણને અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગ્રહણના સમયે કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. પૌરાણિક કથાઓ અનુસાર ગ્રહણના સમયે અશુભ ગ્રહો રાહુ અને કેતુ ચંદ્રને ગ્રસ્ત કરે છે. આ સ્થિતિમાં, ચંદ્ર પર થોડા સમય માટે ગ્રહણ થાય છે. આને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.
19 નવેમ્બર 2021ના રોજ થનારું ચંદ્રગ્રહણ 580 વર્ષમાં સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ હશે. વર્ષ 2021નું આ છેલ્લું ચંદ્રગ્રહણ ભારતના પૂર્વોત્તર ભાગોમાં થોડા સમય માટે જ દેખાશે. આ ચંદ્રગ્રહણ અરુણાચલ પ્રદેશ અને આસામના કેટલાક વિસ્તારોમાં માત્ર સૂર્યાસ્ત સમયે જ જોઈ શકાશે.
આ આંશિક ચંદ્રગ્રહણ 19 નવેમ્બરે બપોરે 12.48 કલાકે શરૂ થશે અને સાંજે 4.17 કલાકે સમાપ્ત થશે. આ આંશિક ચંદ્રગ્રહણનો સમયગાળો 03 કલાક 28 મિનિટ 24 સેકન્ડનો રહેશે, જે 580 વર્ષમાં સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ હશે.
19 નવેમ્બર 2021 ના રોજ આ આંશિક ચંદ્રગ્રહણ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને પેસિફિકમાં દેખાશે. અગાઉ આટલું લાંબુ આંશિક ચંદ્રગ્રહણ 18 ફેબ્રુઆરી 1440ના રોજ થયું હતું અને આગામી વખતે આવું આંશિક ચંદ્રગ્રહણ 08 ફેબ્રુઆરી 2669ના રોજ જોવા મળશે.
19 નવેમ્બર 2021 ના રોજ, આ આંશિક ચંદ્રગ્રહણની સંપૂર્ણ અસર બપોરે 2.34 વાગ્યે દેખાશે, જ્યારે ચંદ્રનો 97 ટકા ભાગ પૃથ્વીના પડછાયાથી ઢંકાઈ જશે. ભારતમાં દૃશ્યમાન આગામી ચંદ્રગ્રહણ 08 નવેમ્બર 2022ના રોજ થશે જ્યોતિષની દૃષ્ટિએ વર્ષનું આ છેલ્લું આંશિક ચંદ્રગ્રહણ વૃષભ અને કૃતિકા નક્ષત્રમાં થશે. ઉપછાયા ચંદ્રગ્રહણને કારણે, તે ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો સુતક સમયગાળો માન્ય રહેશે નહીં.