ગુજરાત વિધાનસભાની ચુંટણી અત્યારે ચરમ ઉપર છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં ચુંટણીપંચનો નવો છબરડો ધ્યાને આવેલ છે. ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થ્થા સાથે જે ખાતાની કામગીરી સીધી રીતે જોડાયેલી છે તેવા નશાબંધી અને આબકારી ખાતાના પી.એસ.આઇ. અને કોન્સટેબલોને મતદાન મથકની કામગીરી અમદાવાદના ચુંટણી અધિકારી દ્વારા સોંપવામાં આવેલ છે. એટલે હવે તમે તા. 05/12/2022 ના રોજ આપનો વોટ આપવા જાવ ત્યારે મતદાન મથકમાં ખાખી વર્દી પહેરેલા પોલીસ કર્મચારીઓને આપની આંગળી ઉપર અવિલોપ્ય શાહી લગાવતા જોવા મળે તો ચોંકશો નહિં.
અમદાવાદ જિલ્લાના નશાબંધી અને આબકારી ખાતાના 11 જેટલા પી.એસ.આઇ. અને 10 કોન્સ્ટેબલો હવે મતદાન મથકની કામગીરી કરતા જોવા મળશે. આબકારી ખાતા દ્વારા વિવિધ પ્રતિબંધિત નશાકારક પદાર્થો જેવા કે વિદેશી દારૂ , મિથાઇલ આલ્કોહોલ , નાર્કોટિકસ ડ્રગ્ઝ , વિગેરે ઉપર સીધો નિયંત્રણ કરવામાં આવે છે. અમદાવાદ જિલ્લાના કુલ 13 પી.એસ..આઇ. માંથી 11 પી.એસ.આઇ. ને ચુંટણીની કામગીરી સોંપાતા નશાબંધી અને આબકારી ખાતાની કામગીરી ખોરંભે પડી છે
કેટલીય જીવન-બચાવનાર નાર્કોટિક ઔષધો , આલ્કોહોલ્યુકત ઔષધ , કેન્સરના રોગોની દવાઓના ઉત્પાદન , વેચાણ , વિગેરેની કામગીરી ઉપર સીધી અસર પડી છે. વળી , ગુજરાતમાં નશાબંધી હોય , ગુજરાતમાં રહેલ લીકર પરમીટ શોપ ખોલવાની અને બંધ કરવાની જવાબદારી પણ નશાબંધી ખાતા ઉપર જ રહેલી છે. તો આવા ચુંટણી સમયે નશાબંધી ખાતાના ફોજદારો અને જમાદારો ચુંટણીની તાલીમ અને કામગીરી અર્થે રોકાતા અમદાવાદ જિલ્લામાં રહેલ લીકર પરમીટ શોપો નધણિયાતી પડી રહેલ છે.
એક બાજુ પોલીસ અને અન્ય સરકારી તંત્ર નશાકારક પદાર્થો ઉપર કસીને લગામ લગાવવા પુરા પ્રયત્નો કરે છે , જ્યારે બીજી બાજુ જાણે આડકતરી છુટ આપી હોય તેમ લાગી રહ્યું છે. અત્રે પ્રસ્તુત છે કે હાલમાં પણ અમદાવાદ જિલ્લાના નશાબંધી અને આબકારી ખાતામાં કુલ 62 ટકા સ્ટાફની અછત રહેલી છે. તેમાં વળી ઉપરથી ચુંટણીની કામગીરી. મહત્વનું એ છે કે આ બાબતે નશાબંધી અને આબકારી ખાતાના કમીશનર દ્વારા તા. 14/11/2022 ના રોજ અમદાવાદ જિલ્લાના ચુંટણી અધિકારી આવા હુકમો રદ્દ કરવા પત્ર લખી જાણ પણ કરેલ હતી. તેમ છતાં તેને દરકિનાર કરી , ચુંટણી પંચ દ્વારા અક્કડ વલણ દાખવી , હુકમો યથાવત્ત રાખી , નશાબંધી ખાતાના પી.એસ.આઇ. અને કોન્સટેબલોને મતદાન મથકની કામગીરી કરવા ફરજ પડાઇ રહેલ છે. હવે જોવાનું એ રહે છે કે , ચુંટણીના દિવસે મોડે સુધી રોકાયા પછી , એના બીજા દિવસે , મતદાન મથકના સ્ટાફને રજા રહેતી હોઇને , અમદાવાદ જિલ્લામાં રહેલ કુલ 22 લીકર પરમીટશોપના તાળા કોણ ખોલશે. જેઓને ચુંટણીની કામગીરી નથી સોંપાઇ તેવા બે પી.એસ.આઇ. સુપરમેન બની ના જાય તો જ નવાઇ.