ગુજરાતના મોટાભાગના શહેરોમાં બાળકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. સુરત, વડોદરા, વલસાડ, રાજકોટ બાદ હવે અમદાવાદની શાળાઓમાં બાળકો કોરોના પોઝિટિવ આવી રહ્યાં છે. અમદાવાદની બે સ્કૂલમાં કુલ 4 બાળકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
અમદાવાદની છારોડીની નિરમા વિદ્યાવિહારમાં 3 અને થલતેજમાં આવેલી ઉદગમ સ્કૂલની 1 વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવી છે. નિરમા વિદ્યાવિહારમાં ધોરણ 5, 9 અને 11 ના વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોરોનાના શિકાર થયા છે. ધોરણ 9 અને 11 બંને વિદ્યાર્થીઓ એક પરિવારના બાળક, પ્રથમ પિતા સંક્રમિત થયા બાદ બાળકો સંક્રમિત થયા છે. ઉદગમ સ્કૂલમાં ધોરણ 2 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને કોરોના થયો છે. નિરમા વિદ્યાવિહાર સ્કૂલના સંચાલકોએ ઓફલાઈન વર્ગો 27 ડિસેમ્બર સુધી બંધ રાખવા અંગે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરી છે.
બીજી તરફ, ઓલ ગુજરાત વાલી મંડળની શાળાઓ બંધ કરવાની માંગ કરી છે. એક પછી એક બાળકો સંક્રમિત થતા વાલી મંડળ દ્વારા અમદાવાદની સ્કૂલો બંધ કરવાની માંગ કરી છે.
WHO એ સીરમ ઇન્સ્ટિટ્યૂટની વેક્સીન Covovaxને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. અદાર પૂનાવાલાએ ટ્વીટ કરીને આ નિર્ણયની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે Covovax રસી વધુ અસરકારક અને સલામત છે. બાળકો માટે કોરોનાની રસી માટેનો માર્ગ હવે સ્પષ્ટ થઈ ગયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ Covovax માં બનેલી રસીને બાળકો પર ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે.