ત્રણ દિવસની તહેવારોની મજા ગુજરાતને ભારે પડી કેમ કે, તહેવારો બાદ હવે કોરોનાનાં લક્ષણો દેખાતા ટેસ્ટિંગ બૂથ્સ પર લોકોની લાંબી કતારો લાગી છે. બીજી તરફ ફ્રન્ટલાઇન વર્કર્સમાં પણ સંક્રમણ વધી રહ્યું છે. વાત કરીએ વડોદરા શહેરની તો વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં પણ તહેવારો પૂર્ણ થતા મોટી સંખ્યામાં લોકો ટેસ્ટ કરાવવા આવી રહ્યા છે, તો અમદાવાદમાં પણ ટેસ્ટની સંખ્યા રોજની 10,000થી પણ વધારવાની ફરજ પડી છે. આ સ્થિતિ જ કહી રહી છે કે આગામી દિવસોમાં સંક્રમણ વધવાનું છે અને તહેવારોની મજા ફરી એકવાર ભારે પડવાની છે.
તો બીજી તરફ કોરોના વોરિયર્સ અને ફ્રન્ટલાઇન વોરિયર્સમાં સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદમાં એક જ દિવસમાં 85 પોલીસકર્મીઓ સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં 351 પોલીસકર્મીઓમાં સંક્રમણ સામે આવ્યું છે. જ્યારે તાપી જીલ્લામાં ત્રણ પોલીસ અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે. મહેસાણાના બહુચરાજીમાં પોલીસ સ્ટેશનમાં 4 પોલીસ કર્મી કોરોના સંક્રમિત થયા છે. પોલીસકર્મીઓની સાથે સાથે મહાનગરપાલિકાનાં અધિકારીઓ અને આરોગ્યકર્મચારીઓ પણ કોરોનાનો શિકાર બની રહ્યાં છે. રાજકોટ કલેક્ટર કચેરીનાં ત્રણ કર્મચારીઓને કોરોના થયો છે. રાજકોટમાં કુલ 21 આરોગ્યકર્મીઓ પોઝિટિવ છે. તો જામનગર કોર્પોરેશનના બે અધિકારીઓને કોરોના પોઝિટિવ આવ્યા છે. તો સુરતમાં ત્રણ અલગ અલગ બેંકોના 43 કર્મચારીઓને કોરોના થયો છે. તો સુરત મનપા હેલ્થકેરનાં 175 વર્કર કોરોના સંક્રમિત થયા છે. મોરબીનાં હળવદની સરકારી હોસ્પિટલમાં બે ડૉક્ટરોને કોરોના થયો છે. જ્યારે રાજકોટ-ભાજપના નેતા અને પૂર્વ કોર્પોરેટર કશ્યપ શુક્લ કોરોના સંક્રમિત થયા છે. આમ, અલગ અલગ વિભાગનાં લોકોમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે અને હવે તહેવારો બાદ આ સંખ્યામાં મોટો વધારો થવાની શક્યતા છે.