સાઉથ આફ્રિકાથી વિશ્વભરમાં ફેલાયેલો કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોનને લઇને ડરનો માહોલ છે. વિશ્વ આરોગ્ય સંગઠનએ બાળકોમાં સંક્રમણ અંગે એક મહત્વની જાણકારી જાહેર કરી હતી. WHO ના યુરોપ કાર્યાલયે મંગળવારે જણાવ્યું કે 5થી 14 વર્ષના બાળકોમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે.
WHO યુરોપના રિજીયોનલ ડાયરેક્ટર ડો. હેન્સ ક્લૂઝે કહ્યું કે રસીકરણથી રાહત મળી છે અને ગત પીકની સરખામણીમાં મોતની સંખ્યા પણ ઘટી છે. પરંતુ તેમણે સાથે સાથે એમ પણ કહ્યું કે 53 દેશોમાં છેલ્લા બે મહિનામાં કોરોનાના કેસ અને મોતની સંખ્યા બમણી થઈ છે.
તેમણે કહ્યું કે ડેલ્ટા વેરિએન્ટ હજુ પણ ફેલાઈ રહ્યો છે અને આ બધા વચ્ચે ઓમિક્રોન વેરિએન્ટનના પણ 21 દેશોમાં 432 કેસ સામે આવ્યા છે. નવા વેરિએન્ટ પર તેમણે કહ્યું કે હજુ એ જોવાનું બાકી છે કે ઓમિક્રોન વધુ ગંભીર છે કે ઓછો. ક્લૂઝે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે યુરોપના અનેક દેશોમાં બાળકોમાં સંક્રમણના કેસ બેથી ત્રણ ગણા વધ્યા છે. જો કે તેમણે એમ પણ કહ્યું કે વૃદ્ધો, હેલ્થકેર વર્કર્સ અને નબળી ઈમ્યુન સિસ્ટમવાળાની સરખામણીમાં બાળકોએ ઓછા ગંભીર સંક્રમણનો સામનો કરવો પડી રહ્યો છે. બાળકોથી બીમારીઓ ફેલાવવાનું જોખમ વધુ રહે છે.