ફેબ્રુઆરી 2020માં દિલ્હીમાં થયેલા રમખાણોના કિસ્સામાં ટ્રાયલ કોર્ટે આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન અને અન્ય પાંચ આરોપીઓ સામે ગુનાહિત કાવતરું અને રમખાણો ભડકાવવા સહિતની અનેક કલમોમાં આરોપો ઘડ્યા છે.
તાહિર હુસૈન સામે રમખાણો અને ગુનાહિત ષડયંત્રના આરોપો ઘડવાનો આદેશ આપતી વખતે કોર્ટે કહ્યું હતું કે ઉત્તર પૂર્વ દિલ્હીના રમખાણોમાં તાહિર હુસૈન માત્ર મૂક પ્રેક્ષક જ નહોતો, પરંતુ તેણે પોતે પણ સામેલ હતો. તે લોકોને અન્ય ધર્મના લોકોને પાઠ ભણાવવા માટે ઉશ્કેરતો હતો.
તાહિર હુસૈન 2017માં કાઉન્સિલર બન્યો હતો
તાહિર હુસૈન આમ આદમી પાર્ટીની ટિકિટ પર 2017 ની MCD ચૂંટણી જીત્યો હતો, પરંતુ ફેબ્રુઆરી 2020 માં તાહિર હુસૈનનું નામ નાગરિકતા સુધારા કાયદા વિરુદ્ધના સાંપ્રદાયિક રમખાણોમાં કાવતરાખોર અને આરોપી તરીકે આવ્યું હતું. આ પછી આમ આદમી પાર્ટીએ તાહિર હુસૈનને પાર્ટીમાંથી હાંકી કાઢ્યો. પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને 20 ઓગસ્ટ 2020 ના રોજ તાહિરનું સભ્યપદ સમાપ્ત કરી દીધુ હતું.
રમખાણોમાં 53ના મોત થયા હતા
23 ફેબ્રુઆરી 2020 ના રોજ, ઉત્તર પૂર્વ દિલ્હીમાં અચાનક રમખાણો ફાટી નીકળ્યા. હુલ્લડગ્રસ્ત વિસ્તારોની શેરીઓમાં કોમી દ્વેષની આગ ભભૂકી ઉઠી હતી. આ રમખાણોમાં 53 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સેંકડો લોકો ઘાયલ થયા હતા. આ રમખાણો ત્યારે થયા જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે હતા. ઉમર ખાલિદ પર વોટ્સએપ ગ્રુપ દ્વારા રમખાણો ભડકાવવાનો પણ આરોપ છે.