ક્રુડ ઓઈલના ભાવ સાત વર્ષના ઉચ્ચસ્તરે પહોચી ગયો છે જેના કારણે ફરી એકવાર પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો થઈ શકે છે. વૈશ્વિક રાજકારણમાં હલચલ અને કોરોના વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને ચિંતાનો માહોલ વધી રહ્યો છે, જેના કારણે ક્રૂડ ઓઈલની કિંમતો સતત વધી રહી છે. અત્યારે ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 87 ડોલર થઈ ગયું છે, જે 7 વર્ષનું સર્વોચ્ચ સ્તર છે. સાપ્તાહિક ધોરણે આ સતત પાંચમું અઠવાડિયું છે જ્યારે કાચા તેલમાં વધારો થઈ રહ્યો છે.
ઓક્ટોબર 2014 પછી કાચા તેલમાં આ રેકોર્ડ વધારો છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ સમયે ક્રૂડ ઓઈલની માંગ વધુ છે અને પુરવઠો ઓછો છે. જેથી ભાવ વધી રહ્યા છે. વિશ્વભરમાં વેપારી ગતિવિધિઓમાં ઝડપી વધારાને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. આ ભાવ વધારાથી ભારત સરકાર માટે પેટ્રોલ અને ડીઝલના ભાવને નિયંત્રિત કરવું મુશ્કેલ બનશે. તેનાથી ગ્રાહકોને પણ આંચકો લાગી શકે છે.