દુબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2021ની ફાઇનલમાં કોલકત્તા સામે ચેન્નઇ સુપરકિંગ્સનો 27 રનથી વિજય થયો હતો. આઇપીએલના ઇતિહાસમાં ચેન્નઇએ ચોથી વખત ટાઇટલ જીત્યું હતું. ચેન્નઇ તરફથી શાર્દુલ ઠાકુરે 3 વિકેટ ઝડપી હતી જ્યારે જાડેજા અને હેઝલવુડે બે વિકેટ ઝડપી હતી. તે સિવાય દીપક ચહરે એક વિકેટ ઝડપી હતી. એક સમયે એવું લાગતું હતું કે કોલકત્તા આ મેચ સરળતાથી જીતી લેશે પરંતુ શુભમન ગિલ અને વેંકટેશ ઐય્યર સિવાય કોલકત્તાનો એક પણ બેટ્સમેન સારુ પ્રદર્શન કરી શક્યો નહીત. મોર્ગન 4, દિનેશ કાર્તિક 9, રાહુલ ત્રિપાઠી 2, નીતિશ રાણા 0, શાકિબ હસન 0, નારેન 2 રને આઉટ થયા હતા. આ અગાઉ વેંકટેશ ઐય્યરને ધોનીએ બે જીવનદાન આપ્યા હતા.
193 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કોલકત્તાની શરૂઆત સારી રહી હતી. પ્રથમ વિકેટ માટે વેંકટેશ ઐય્યર અને શુભમન ગિલે 91 રનની ભાગીદારી કરી હતી. ઐય્યર 50 રન બનાવી શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો હતો. બાદમાં નીતિશ રાણા પણ શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. સારા ફોર્મમાં રહેલો શુભમન ગિલ પણ 50 રન બનાવી આઉટ થયો હતો. બાદમાં કોઇ પણ બેટ્સમેન સારુ પ્રદર્શન કરી શક્યો નહી.
આ અગાઉ ટોસ હારીને ચેન્નઇ સુપર કિંગ્સે સારી શરૂઆત કરી હતી. પ્રથમ વિકેટ માટે ગાયકવાડ અને ડુ પ્લેસિસે આઠ ઓવરમાં 61 રન બનાવ્યા હતા. ગાયકવાડ 32 રન પર આઉટ થયો હતો. બાદમાં રોબિન ઉથપ્પા 31 રન આઉટ થયો હતો. ડુ પ્લેસિસે સૌથી વધુ 86 રન ફટકાર્યા હતા. ચેન્નઇએ 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી 192 રન બનાવ્યા હતા.