ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર અને ભાજપને 24 કલાકમાં જ બીજો આંચકો લાગ્યો છે. સ્વામી પ્રસાદ મૌર્ય બાદ યોગી સરકારના વધુ એક મંત્રી અને OBC નેતા દારા સિંહ ચૌહાણે રાજીનામું આપી દીધું છે. છેલ્લા 24 કલાકમાં એટલે કે ગઈકાલથી 6 નેતાઓએ પાર્ટી છોડી દીધી છે. દારા સિંહ ચૌહાણ સમાજવાદી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે. રાજકીય રીતે, દેશના સૌથી મહત્વપૂર્ણ રાજ્ય યુપીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ માટે આને મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. બે દિવસમાં બે મંત્રીઓ અને ચાર ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે. યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ભાજપને રાજ્યમાં ફરીથી સત્તા મેળવવા માટે આ વખતે અખિલેશ યાદવ તરફથી સખત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.
પોતાના રાજીનામાના પત્રમાં ચૌહાણે લખ્યું છે કે, ‘મેં પૂરા સમર્પણ સાથે કામ કર્યું છે, પરંતુ સરકારના પછાત, વંચિત વર્ગો, દલિતો, ખેડૂતો અને બેરોજગાર યુવાનો પ્રત્યેના વલણ અને પછાત અને દલિત લોકો માટે અનામતના ઉપેક્ષિત વલણથી મને દુઃખ થયું છે. તેથી હું રાજીનામું આપું છું.
નોંધનીય છે કે આ પહેલા ગઈકાલે યોગી આદિત્યનાથ સરકારના શ્રમ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ ભાજપને અલવિદા કહી દીધું હતું. મૌર્યને ઉત્તર પ્રદેશમાં OBCનો મોટો ચહેરો માનવામાં આવે છે. તેમની સાથે બ્રિજેશ પ્રજાપતિ, રોશન લાલ, ભગવતી સાગર અને વિનય શાક્ય સહિત અન્ય ચાર બીજેપી ધારાસભ્યોએ પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે. અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના અસરકારક નેતા અને પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા સ્વામી પ્રસાદ મૌર્યએ માયાવતીની BSP છોડીને 2017માં ભાજપમાં જોડાયા હતા. અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીને ટક્કર આપવા અને ઓબીસી મતદારોને આકર્ષવાની ભાજપની યોજનામાં તેઓ કેન્દ્ર બિન્દુ હતા.