અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવતા રોગ વધી રહ્યા છે. અમદાવાદમાં ડેન્ગ્યૂ અને ચિકનગૂનિયાના કેસમાં વધારો થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને લઇને જે સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો છે તેનાથી વિપરિત સ્થિતિ હાલ શહેરમાં જોવા મળી રહી છે. ગત વર્ષે અમદાવાદમાં ડેન્ગ્યૂના 10 મહિનામાં 359 કેસ નોંધાયા હતા જેની તુલનામાં આ વર્ષે 1800થી વધુ કેસ નોંધાયા છે.
1 ઓક્ટોબરથી 9 નવેમ્બર સુધી શહેરમાં મલેરિયાના 27, ઝેરી મલેરીયાના 05, ડેન્ગ્યૂના 170 અને ચિકનગૂનિયાના 69 કેસ નોંધાયા છે. પાણીજન્ય રોગમાં ઝાડા-ઉલ્ટીના 170, કમળાના 43, ટાઇફોઇડના 41 કેસ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. જાન્યુઆરી 2020થી ઓક્ટોબર 2020 સુધીમાં મલેરીયાના 571 કેસ નોંધાયા હતા જેની તુલનામાં આ વર્ષે 769 કેસ નોંધાયા છે.
ડેન્ગ્યૂ માટે હોટ સ્પોટ વોર્ડ
પૂર્વ અમદાવાદમાં લાંભા ઉપરાંત વટવા, ઇસનપુર, રામોલ, હાથીજણ, ગોમતીપુર ઉપરાંત ભાઇપુરા, વસ્ત્રાલ સહિતના વોર્ડમાં ડેન્ગ્યૂના કેસમાં છેલ્લા એક મહિનાના સમયમાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે. આ તમામ વોર્ડ વિસ્તારોમાં મચ્છરોના સતત ઉપદ્રવ અને નિયમિત સફાઇ ના થવાના કારણે વાઇરલ ફિવર, મેલેરીયા અને ડેન્ગ્યૂના કેસમાં વધારો થયો છે.