સુરતઃ રાજ્યની સરકારી મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે. કામનું ભારણ વધતા અમદાવાદ, સુરત, વડોદરામાં તબીબો હડતાળ પર ઉતર્યા છે. નીટ-પીજીનું કાઉન્સેલિંગ વારંવાર પાછળ ઠેલાવાના કારણે રેસિડેન્ટ ડોક્ટરોની અછત સર્જાઈ છે. ડોક્ટરોએ આજથી અનિશ્ચિત મુદતની હડતાલની જાહેરાત કરી હતી.
સિવિલ હોસ્પિટલમાં જ રેસિડેન્ટ ડોક્ટરો જો તમામ સેવાઓથી અળગા રહેશે તો મોટી મુશ્કેલી ઉભી થઇ શકે છે. જુનિયર ડોક્ટર્સ એસોસિએશન હેઠળ રેસિડેન્ટ ડોક્ટરોએ અને અમદાવાદની સિવિલ, સુરત સિવિલ અને વડોદરા તેમજ જામનગરની સિવિલ હોસ્પિટલોના સુપ્રિ. દ્વારા સરકારના આરોગ્ય વિભાગને જુનિયર ડોક્ટરો આપવાની માંગણી કરવામા આવી હતી. હાલ હોસ્પિટલોમાં પીજી રેસિડેન્ટની પ્રથમ બેચ ન હોવાને લીધે રેસિડેન્ટ ડોક્ટરોની ઘટ પડી રહી છે જેથી જુનિયર નોન એકેડમિક રેસિડેન્ટ હંગામી ધોરણે મુકવા માટે રજૂઆત કરાઈ હતી. પરંતુ આ મુદ્દે કોઇ ચોક્કસ નિર્ણય લેવાયો નથી.
ડોક્ટરોની માંગ છે કે નીટ-પીજી કાઉન્સેલિંગ પ્રક્રિયા પાછળ ઠેલાવાથી સર્જાયેલી રેસિડેન્ટ ડોક્ટર્સની અછત પુરવા તાત્કાલિક ધોરણે જ્યાં સુધી નવા રેસિડેન્ટ ડોકટર્સની ભરતી ન થાય ત્યાં સુધી નોન એકેડેમિક જુનિયર રેસિડેન્ટ ડોક્ટર્સની ફાળવણી તથા નિમણૂક કરવામાં આવે.સિનિયર રેસિડેન્ટશીપને બોન્ડેડ સમયગાળામાં ગણવામાં આવે. આ પદ્વતિ 2018ની બેચ પુરતી માન્ય ગણવામાં આવી છે. પરંતુ તેનાથી કુશળ તબીબો સંલગ્ન હોસ્પિટલો તથા ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલોમાં મળી છે. જેથી આવનારી બેચમાં આ પદ્વતિને લાગુ કરવામાં આવે.