ડ્રેગન ફ્રૂટ જેને હાલમાં કમલમ ફ્રૂટ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ ફ્રૂટમાં પોષક તત્વોથી ભરપૂર ખાદ્ય પદાર્થ છે. તેનું સેવન કરવાના ઘણા ફાયદા છે. તે ઊર્જાથી ભરપૂર ખોરાક છે. એક ડ્રેગન ફ્રૂટમાં 102 કેલરી એનર્જી હોય છે. તે કાર્બોહાઇડ્રેટ્સનો ઉત્તમ સ્ત્રોત છે. એક ડ્રેગન ફળમાં 22 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે. આ ઉપરાંત 13 ગ્રામ ખાંડ પણ હોય છે. સૌથી સારી વાત એ છે કે ડ્રેગન ફ્રૂટમાં ફેટ નથી હોતું. તેથી હૃદયના દર્દીઓ માટે ડ્રેગન ફ્રૂટ ખૂબ જ ઉપયોગી છે.
એન્ટી-એજિંગ ફ્રૂટ
ડ્રેગન ફ્રૂટમાં ફ્લેવોનોઈડ્સ, ફેનોલિક એસિડ અને બીટાસાયનિન જેવા એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, જે વધતી ઉંમરની અસરને ઘટાડે છે. તે ફ્રી રેડિકલ દ્વારા થતા કોષોના નુકસાનને અટકાવે છે. ફ્રી રેડિકલ્સને લીધે પ્રિમેચ્યોર એજિંગ અને કેન્સર સુધીની બીમારી થઈ શકે છે.
પેટમાં હેલ્ધી બેક્ટેરિયાને પોષણ આપે છે
ડ્રેગન ફ્રૂટમાં પ્રીબાયોટિક ગુણ હોય છે. પ્રી-બાયોટિકનો અર્થ છે કે તે આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયા જેને પ્રોબાયોટીક પણ કહે છે, તેને પોષણ પૂરું પાડે છે. એટલે કે હેલ્ધી બેક્ટેરિયા માટે ડ્રેગન ફ્રૂટ ભોજનનું કામ કરે છે. જો આંતરડામાં હેલ્ધી બેક્ટેરિયાની સંખ્યા ખૂબ વધારે હોય, તો પાચનતંત્ર ખૂબ જ બૂસ્ટ રહે છે. પ્રીબાયોટિકને લીધે સારા બેક્ટેરિયા વધે છે અને ખરાબ બેક્ટેરિયાનો ખાત્મો થાય છે.
બ્લડ શુગર લો કરવામાં મદદગાર
ડ્રેગન ફ્રૂટ બ્લડ શુગર ઘટાડવામાં મદદરૂપ છે. સંશોધકોના મતે, ડ્રેગન ફ્રૂટમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ સ્વાદુપિંડના ક્ષતિગ્રસ્ત કોષોને રિપેર કરે છે. જો સ્વાદુપિંડ સ્વસ્થ છે, તો હોર્મોન ઇન્સ્યુલિન પણ યોગ્ય રીતે બને છે. ઇન્સ્યુલિન લોહીમાં રહેલી શુગરને તોડીને તેને ઊર્જામાં ફેરવે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે
ડ્રેગન ફ્રૂટમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો ગુણ હોય છે. કારણ કે તેમાં પૂરતી માત્રામાં વિટામિન-સી અને ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ હોય છે. શિયાળામાં ડ્રેગનફ્રૂટનું સેવન કરવાથી વિશેષ લાભ મળે છે.