વધતાં કોરોનાની કેસ અને ત્રીજી લહેરની અસર ભગવાનના દ્વાર સુધી પહોંચી ગઇ છે, રાજ્યના મોટા મંદિરોના કપાટ કોરોનાના સંક્રમણ વધતાં ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. એક તરફ રાજ્યમાં કોરોનાના આંકડો દસ હજારને પાર પહોંચ્યો છે, ત્યારે વિસ્ફોટક રીતે આવેલાં કોરોનાના કેસોએ ફરી એક વખત ભક્તો માટે મંદિરોના દ્વાર બંધ કર્યા છે. રાજ્યના મોટા મંદિરોના વહીવટી તંત્રએ કોરોના સંક્રમણને અટકાવવા ઓફલાઈન દર્શન બંધ કર્યા છે. જો કે તમામ મંદિરોની વેબસાઈટ પરથી ભક્તો ઓનલાઈ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.
જગત મંદિર દ્વારકામાં 17 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી ભક્તો માટે બંધ રહેશે. તો વળી અંબાજી મંદિર 22 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરાયું છે. તો આજે જ શક્તિપીઠ બહુચરાજી સોમવારથી 22 તારીખ સુધી બંધ રાખવાનો તંત્રએ નિર્ણય કર્યો છે. આ બધા વચ્ચે સોમવારે પોષી પુનમ હોવાથી ડાકોરનું રણછોડ રાયજી મંદિરમાં પણ ઉજવણી બંધ રખાઈ છે અને મંદિર દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ રહેશે. તથા શામળાજી મંદિર પણ કાલે બંધ ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. સાથે સાથે વલસાડ જિલ્લા તંત્રએ વિકએન્ડમાં તમામ મંદિરો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. વલસાડ જિલ્લાની હદમાં આવતાં તમામ મંદિરો શનિ-રવિ બંધ રહેશે.
ભક્તો માટે મંદિરના કપાટ બંધ
- દ્વારકા- 23 જાન્યુ. સુધી બંધ
- અંબાજી -22 જાન્યુ. સુધી બંધ
- બહુચરાજી – 22 જાન્યુ. સુધી બંધ
- ડાકોર – પોષી પુનમના દિવસે બંધ
- શામળાજી – પોષી પુનમના દિવસે બંધ
- ચોટીલા- 23 જાન્યુ.સુધી આરતી દર્શન બંધ