રાજ્યની 10,879 ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણીપંચે જાહેરાત કરી હતી કે 10,879 ગામોમાં ચૂંટણી માટે 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે અને 21 ડિસેમ્બરના મતગણતરી કરવામાં આવશે. આ ચૂંટણી માટે 29 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને 4 ડિસેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે.
ગ્રામ પંચાયતોની આ ચૂંટણી માટે ભાજપ સરકાર અને સંગઠને તૈયારી શરૂ કરી દીધી છે, પણ વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજુ સંગઠનની રચનામાં અટવાયેલા છે. કોંગ્રેસમાં તો હજુ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પણ જાહેર કરવામાં આવ્યા નથી.
કેન્દ્ર સરકારના મહત્વના પ્રોજેકટ ફાસ્ટટ્રેક પર મુકવા માટે થઈને કલેક્ટર અને ડીડીઓ(જિલ્લા વિકાસ અધિકારી)ને સુચના આપવામાં આવી રહી છે. સામાન્ય રીતે ગ્રામ પંચાયતની ચૂંટણી રાજકીય પક્ષોના સિમ્બોલ પર લડાતી નથી, પરંતુ ચૂંટાયેલા સરપંચો જે તે રાજકીય પક્ષોના સમર્થક હોય છે.
ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી હોવા છતાં કોંગ્રેસમાં હજુ સંગઠનની નવી ટીમ બની નથી. પરિણામે ગુજરાત કોંગ્રેસ હજુ પણ વેરવિખર છે. જેની સાથે ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી લેનારી આમ આદમી પાર્ટી પણ હજુ કોઈ ચોક્કસ વ્યૂહરચના વિના આગળ વધી રહી હોવાનું જણાઇ રહ્યું છે.