ટેસ્લાના માલિક એલન મસ્કનું એક અર્થવિહીન ટ્વીટ બહાર આવ્યુ છે. જેમા તેમણે અમેરિકનો એ જો બાઈડનને કેમ રાષ્ટ્રપતિ તરીકે પસંદ કર્યા તે વિશે ટ્વીટ કર્યુ છે. એલન મસ્ક પોતાના અવનવા ટ્વીટથી હંમેશા સમાચારોમાં રહેતા હોય છે. આ વખતે એલન મસ્કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને લઈને ટ્વીટ કર્યુ છે. તેમણે અમેરિકન રાષ્ટ્રપતિને અનુલક્ષીને કહ્યુ કે બાઈડન એટલા માટે રાષ્ટ્રપતિ તરીકે પસંદગી પામ્યા કારણકે લોકો ઓછો ડ્રામા એટલે કે ઓછુ નાટક જોવા માંગતા હતા. વધુમાં એલન મસ્કે કહ્યુ કે જો બાઈડનનું એ વિચારવું તદ્દન ખોટું હશે કે તેમને અમેરિકાને બદલવા માટે પસંદ કરવામાં આવ્યા. તે ડોનાલ્ડ ટ્રમ્પની સામે ફક્ત ને ફક્ત એટલા માટે જીત્યા કે લોકો ઓછો ડ્રામા ઈચ્છી રહ્યા હતા.
મહત્વનું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પણ પોતાના નિવેદનોને લઈને અવાર નવાર મિડીયામાં છવાયેલા રહેતા હતા. જો વાત કરીએ મસ્કની તો એલન મસ્ક પહેલેથી જ ડોનાલ્ડ ટ્રમ્પને સપોર્ટ કરતા આવ્યા છે. હાલમાં જ તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને ટ્વીટર પર બ્લોક કરવાની બાબતને ખોટી ગણાવી હતી અને જણાવ્યુ હતુ કે ટ્વીટરની ડીલ પુરી થયા બાદ તે ટ્રમ્પ પર લગાવેલા ટ્વીટર બેન હટાવી દેશે.