ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. સ્ટોક્સ મંગળવારે (19 જુલાઈ) દક્ષિણ આફ્રિકા સામે છેલ્લી મેચ રમશે. 31 વર્ષીય સ્ટોક્સે 104 ODI રમી છે અને તે પોતાના હોમ ગ્રાઉન્ડ પર પોતાની ODI કારકિર્દીનો અંત કરશે.
બેન સ્ટોક્સની ODI કારકિર્દીની યાદગાર ક્ષણ લોર્ડ્સમાં આયોજિત 2019 વર્લ્ડ કપની ફાઇનલ હતી, જ્યાં તેણે ન્યુઝીલેન્ડ સામે અણનમ 84 રન બનાવી મેચને સુપર ઓવરમાં મોકલી હતી. ત્યારપછી પછી ઈંગ્લેન્ડે પોતાનું પ્રથમ વર્લ્ડ કપ ટાઈટલ જીત્યું અને બેન સ્ટોક્સ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.
આ સમાચાર ટ્વિટર પર શેર કરતા સ્ટોક્સે કહ્યું હતુ કે, ‘હું મંગળવારે ડરહામમાં ઈંગ્લેન્ડ માટે મારી છેલ્લી વનડે ક્રિકેટ મેચ રમીશ. મેં આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય લેવો અતિ મુશ્કેલ છે. મને ઈંગ્લેન્ડની ટીમમાં મારા સાથી ખેલાડીઓ સાથે રમતની દરેક મિનિટ પસંદ આવી છે. આ સમય દરમિયાન અમે અકલ્પનીય મુસાફરી કરી છે.
તેણે આગળ કહ્યું, ‘હું ટેસ્ટ ક્રિકેટને બધું મહત્વ આપીશ. મને લાગે છે કે હું T20 ફોર્મેટમાં યોગદાન આપવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છું. હું જોસ બટલર, મેથ્યુ મોટ, ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને વધુ સફળતા માટે શુભેચ્છા પાઠવું છું. છેલ્લા સાત વર્ષમાં અમે વ્હાઈટ બોલ ક્રિકેટમાં ઘણી પ્રગતિ કરી છે અને ભવિષ્ય ઘણું ઉજ્જવળ દેખાય છે.
બેન સ્ટોક્સે કહ્યું, ‘ઈંગ્લેન્ડના ચાહકો હંમેશા મારા માટે હતા અને આગળ પણ રહેશે. તમે વિશ્વના શ્રેષ્ઠ સમર્થક છો. મને આશા છે કે અમે મંગળવારે જીતીશું.