દિવાળી વેકેશન આવી રહ્યું છે અને કોરોનાનો વ્યાપ પણ ઓછો થયો છે ત્યારે આગામી વેકેશનમાં જો તમે પરિવાર સાથે બહાર ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો તો તમારા આ પ્લાનને કેવી રીતે યાદગાર બનાવશો એની કેટલીક ટીપ્સ અમે તમને આપી રહ્યા છીએ.
ઓફ-સીઝનમાં પરિવાર સાથે ફરવા જાઓ
સામાન્ય રીતે લોકો ફરવા માટે હિલ સ્ટેશન ઘણું પસંદ કરે છે. ત્યારે તમે અહીં ઓફ-સીઝન જઈ શકો છો, આમ કરવાથી તમને બધું જ (ટિકિટ, હોટેલ ચાર્જ, ભોજનનો ભાવ, જોવાલાયક સ્થળોની ટિકિટ વગેરે) ખૂબ ઓછા પૈસામાં મળશે અને તમારી ટ્રીપ પણ સસ્તામાં પતશે.
હોટલ બુક કરતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન
લોકો ફરવા જાય પછી જે-તે સ્થળે હોટલ શોધે છે, જેથી તેમને મોંઘુ પડે છે. એના બદલે પહેલાથી જ ઓનલાઈન હોટેલ બુક કરવી જોઈએ, ઘણી વેબસાઈટ ચેક કર્યા પછી જ હોટલ બુક કરવી, હોટેલના રીવ્યુ વાંચવા, અને જો તમારું ગ્રુપ મોટું હોય તો તમે ફોન કરીને હોટેલિયરો સાથે વાત કરીને તેમની પાસેથી ઓફર લઈ શકો છો. આમ કરવાથી તમારો ખર્ચ પણ ઓછો થશે.
રસ્તાનું ભોજન ઘરેથી લઈ જાઓ
મોટાભાગે એવું જોવા મળે છે કે લોકો રસ્તામાં રોકાઈને કોઈ ઢાબા કે હોટલમાં ભોજન કરે છે. આમ કરવાના બે ગેરફાયદા છે, તમારે મોંઘા ભોજનનું એક મોટું બિલ ચૂકવવું પડશે અને બહારનો અસ્વચ્છ ખોરાક તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તમારે ઘરેથી રસ્તામાં ખાવા માટેનું ભોજન અથવા સૂકો નાસ્તો લઈ જવો.
કેવી રીતે જવું
પ્રવાસન સ્થળે પહોંચવા માટે તમારે કાર, બસ, ટેક્સી, ટ્રેન, ફ્લાઇટ વગેરેમાંથી કેવી રીતે જવું જેથી તમને ઓછું ભાડું ચૂકવવું પડે એ નક્કી કરી લો. તમે ફરવાના સ્થળોએ સ્કૂટર, બાઇક વગેરે ભાડે લઈ શકો છો.