નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના વિશ્વ વિજેતા કેપ્ટન ઈયોન મોર્ગને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ મંગળવારે આ વાતની પુષ્ટી કરી હતી. ઇયોન મોર્ગન છેલ્લા એક વર્ષથી ફિટનેસ અને ફોર્મની સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો હતો. બ્રિટિશ મીડિયાએ સોમવારે અહેવાલ આપ્યો હતો કે મોર્ગન ટૂંક સમયમાં તેની નિવૃત્તિની જાહેરાત કરશે, અને એક દિવસ પછી તેની પુષ્ટિ થઈ હતી.
35 વર્ષીય ઈયોન મોર્ગને મંગળવારે ECB દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહ્યું હતું કે સાવધાનીપૂર્વક વિચાર-વિમર્શ કર્યા પછી હું તાત્કાલિક અસરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરું છું. આ એક સરળ નિર્ણય નથી રહ્યો, પરંતુ હું માનું છું કે હવે આવું કરવાનો યોગ્ય સમય છે.
13 વર્ષની તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ઇઓન મોર્ગને 2 ICC ટાઇટલ જીત્યા. તેમની કેપ્ટનશીપ હેઠળ ઈંગ્લેન્ડે ઈતિહાસ રચ્યો અને 2019માં પ્રથમ વખત ODI ફોર્મેટમાં વિશ્વ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. મોર્ગન 2010માં T20 વર્લ્ડ કપ જીતનાર ઈંગ્લિશ ટીમનો પણ સભ્ય હતો. ECBએ એક નિવેદનમાં કહ્યું કે મોર્ગન ઈંગ્લેન્ડ માટે ODI અને T20માં સૌથી વધુ મેચ રમનાર અને સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.
ECBએ એક નિવેદનમાં કહ્યું, ‘મોર્ગનને પુરૂષોની ODI ટીમના કેપ્ટન તરીકે 7 વર્ષ લાગ્યા અને આ દરમિયાન તેણે ICC વર્લ્ડ રેન્કિંગમાં ઈંગ્લેન્ડને નંબર 1 પર પહોંચાડ્યું. આ સિવાય તમામ મોટા દેશો સામે નોંધપાત્ર શ્રેણી જીતી હતી. મોર્ગનના નેતૃત્વમાં ટીમ ઈંગ્લેન્ડે 2016 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પણ જગ્યા બનાવી હતી. 2017ની ચેમ્પિયન્સ ટ્રોફી અને 2021 T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પણ પહોંચી હતી.
મોર્ગને 2015 વર્લ્ડ કપ પહેલા ઈંગ્લેન્ડની કમાન સંભાળી હતી. તેને એલિસ્ટર કૂકની જગ્યાએ મર્યાદિત ઓવરોમાં ટીમની કેપ્ટનશીપ મળી. જોકે, 2015ના વર્લ્ડ કપમાં ટીમનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. આ પછી તેણે ઇંગ્લેન્ડનું ભાગ્ય બદલવા માટે કોચ ટ્રેવર બેલિસ સાથે કામ કર્યું અને 2019 માં ODI વર્લ્ડ કપ જીત્યો.
મોર્ગનનો જન્મ આયર્લેન્ડના ડબલિનમાં થયો હતો. તેણે વર્ષ 2006માં આયરલેન્ડની ટીમ સાથે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્રણ વર્ષ પછી તેને ઇંગ્લેન્ડની T20 ટીમ સાથે ડેબ્યૂ કરવાની તક મળી. મોર્ગને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 10,859 રન બનાવ્યા છે. તેણે 16 ટેસ્ટ, 248 ODI અને 115 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભાગ લીધો છે. તેણે ટેસ્ટમાં 700 રન, વનડેમાં 7701 અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2458 રન બનાવ્યા છે. તેણે વનડેમાં 14 સદી ફટકારી છે જ્યારે ટેસ્ટમાં તેની 2 સદી છે.