આમ તો સામાન્ય રીતે મેચમાં કોઇને કાઇ રેકોર્ડ બનતો કે તૂટતો હોય છે. ત્યારે હાલમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ મેચમાં એ અનોખો જ રેકોર્ડ નોધાયો છે. સાઉથ આફ્રિકા સામેની કેપ્ટાઉન ટેસ્ટમાં ભારતીય ટીમના નામે એક અનોખો રેકોર્ડ નોંધાયો છે. બંને દાવમાં ભારતના તમામ બેટ્સમેન કેચ આઉટ થયા છે. ટેસ્ટ ઇતિહાસના 145 વર્ષના ઇતિહાસમાં આવો બનાવ પ્રથમ વખત બન્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં અગાઉ પાંચ વખત એક જ ટીમના 19 બેટ્સમેનો કેચ આઉટ થયા હતા.
રિષભ પંતે કારકિર્દીની ચોથી સદી ફટકારી હોવા છતાં ભારતનો બીજો દાવ 198 રનના સ્કોરે સમેટાઇ ગયો હતો. આમ સાઉથ આફ્રિકાને મેચ તથા શ્રોણી જીતવા માટે 212 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેની સામે યજમાન ટીમે ત્રીજા દિવસની રમતના અંતે બે વિકેટે 101 રન બનાવી લીધા હતા અને વિજય માટે હજુ તેને 111 રનની જરૂર છે. સ્ટમ્પના સમયે સુકાની એલ્ગર 30 તથા પીટરસન 48 રને રમી રહ્યા હતા. ભારત માટે સુકાની વિરાટ કોહલીએ 29 રન બનાવ્યા હતા. ભારતની ઇનિંગ્સમાં ત્રીજો હાઇએસ્ટ સ્કોર 28 રનના સ્વરૂપે એક્સ્ટ્રાનો રહ્યો હતો. ભારતના આઠ બેટ્સમેન બેવડાં આંકનો સ્કોર પણ નોંધાવી શક્યા નહોતા. સાઉથ આફ્રિકા માટે રબાડાએ 53 રનમાં ત્રણ, જાનસેને 36 રનમાં ચાર તથા નગિડીએ ત્રણ વિકેટ ઝડપી હતી.
ઓલિવરને એક બોલને બાઉન્ડ્રી બહાર મોકલવાના પ્રયાસમાં રિષભ પંતના હાથમાંથી બેટ છૂટીને સ્ક્વેર લેગ તરફ ઊડીને પડયું હતું. બીજી તરફ બોલ પોઇન્ટ તરફ ગયો હતો. બેટ એટલા જોરથી પડયું હતું કે તેના અવાજથી સાઉથ આફ્રિકાના ફિલ્ડર એક સમયે ડરી ગયા હતા. ભારત તરફથી સદી નોંધાઇ હોય છતાં ટેસ્ટ ક્રિકેટમાં સાઉથ આફ્રિકા સામે 198નો સ્કોર હાઇએસ્ટ રહ્યો છે. આ પહેલાં અઝહરુદ્દીને 103 રનની અણનમ સદી નોંધાવી હોવા છતાં ભારતે 1998-99માં સાઉથ આફ્રિકા સામે 203 રન નોંધાવ્યા હતા.