અલ્હાબાદ હાઈકોર્ટે વાણી સ્વાતંત્ર્ય પર ટિપ્પણી કરતી વખતે એક વ્યક્તિ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે જણાવ્યું છે કે વાણી સ્વાતંત્ર્ય કોઈ પણ વ્યક્તિને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાની અથવા દેશના નાગરિક વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાની પરવાનગી અથવા છૂટ આપતું નથી, ખાસ કરીને જો તે વ્યક્તિ દેશના વડા પ્રધાન, ગૃહ પ્રધાન અથવા સરકારમાં કોઇ મંત્રી હોય.
અલ્હાબાદ હાઈકોર્ટે મુમતાઝ મન્સૂરીની અરજી પર સુનાવણી કરતા આ ટિપ્પણી કરી હતી. મુમતાઝ મન્સૂરીએ તેમની સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવાની વિનંતી કરી હતી. મુમતાઝ મન્સૂરી પર પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ફેસબુક પોસ્ટમાં વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ છે.
કોર્ટમાં જસ્ટિસ અશ્વિની મિશ્રા અને જસ્ટિસ રાજેન્દ્ર કુમારે મુમતાઝ મન્સૂરીની અરજી પર ચુકાદો આપ્યો હતો.આ મામલામાં નોંધાયેલી એફઆઈઆર અનુસાર અરજદારના ફેસબુક આઈડી દ્વારા પીએમ મોદી, ગૃહમંત્રી અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ માટે અત્યંત અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.