ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક મામલે વિરોધ પ્રદર્શન કરનારા આમ આદમી પાર્ટીના નેતાઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. પ્રથમ 9ને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 38 લોકોને કોર્ટમાં લવાયા છે. હાલમાં કોર્ટમાં પહેલા 1થી 9ને પહેલા રજુ કરવામાં આવ્યાં છે, બાદમાં બીજા 9 એમ બધા ને એક બાદ એક રજૂ કરવામાં આવ્યા હતા. ઇસુદાન, પ્રવીણ રામ, ગોપાલ ઇટાલીયા સહિતના લોકોને કોર્ટમાં હાજર કરાયા હતા. જ્યાં તમામ લોકોના જામીન ના મંજૂર કરાયા અને તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકવામાં આવ્યા હતા.
કમલમ જે બસમાં બેસીને આપના કાર્યકરો અને નેતાઓ આવ્યા હતા તે 8 બસના 10 ડ્રાઈવર અને કંડકટર ને પણ આપના નેતાઓ સાથે જ ધરપકડ કરવામાં આવી હતી,જેને કોર્ટમાં હાજર કરવામાં પણ આવશે. બસના માલિક કોર્ટ રૂમની બહાર છોડાવવા આવ્યા હતા. કોર્ટમાં પણ આમ આદમી પાર્ટીના જામીનદારની પોલીસે અટકાયત કરી છે. ત્યારે આપના નેતા મહેશ સવાણી પણ કોર્ટમાં પહોંચ્યા છે. તેમણે કહ્યું કે, અમે ઉપવાસ પર બેસીશું અને ન્યાય મેળવવા માટેની પ્રક્રિયા કરીશું.
બીજી તરફ વકીલ પ્રણવભાઈ ઠક્કરે કહ્યું હતું કે, ગાંધીનગર કોર્ટમાંથી ટેમ્પો ટ્રાવેલ્સમાં અમારા જામીનદારને પોલીસ ડિટેન કરીને લઈ ગઈ છે. ઝડપાયેલ આરોપી જામીનદારનો પીતરાઈ ભાઈ છે. અમારા વકીલને પણ લઈ જવામાં આવ્યાં છે. જામીન માટે આવેલા આરોપીના પીતરાઈ ભાઈને પણ ડિટેન કરી લેવામાં આવ્યાં છે.
નોંધનીય છે કે AAPના નેતાઓ સામે પોલીસ દ્વારા અલગ અલગ કુલ 18 જેટલી કલમો લગાડી તેમની સામે ધરપકડ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના નેતાએ જણાવ્યું હતું કે ગઈકાલે ખુદ પોલીસ જ અમારી વિરુદ્ધમાં હતી. ત્યારે હવે પોલીસ પર જ અમને ભરોસો નથી, જેથી હવે સીસીટીવી ફૂટેજ અને મીડિયા ફૂટેજના પુરાવા સહિત અમે આ મામલે કોર્ટમાં ફરિયાદ દાખલ કરીશું.
નોંધનીય છે કે ગઇકાલે ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કાંડ મામલે વિરોધપ્રદર્શન અને ચેરમેન અસિત વોરાનું રાજીનામું માગવા ગાંધીનગર ભાજપ કાર્યાલય પહોંચેલા આમ આદમી પાર્ટીના નેતાઓની છેડતી, રાયોટિંગ સહિતના ગુનામાં ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. AAPના નેતા ઈસુદાન ગઢવી, નિખિલ સવાણી, પ્રવીણ રામ, ગોપાલ ઈટાલિયા, શિવકુમાર સહિતના નેતાઓની ધરપકડ કરાઇ હતી.