તમામ ભારતીય બીજી કોઈ વસ્તુઓમાં રોકાણ કરે કે ન કરે પણ સોનામાં રોકાણ કરવામાં એક સેકંડ માટે વિચાર કરતાં નથી. સોનાના ભાવ ભલે આસમાને હોય પણ સોનાની ખરીદી ભારતમાં ક્યારે પણ ઘટતી નથી. અને ભવિષ્યમાં પણ ઘટશે નહી. જેની સાબિતી ચાલું નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં જ દેખાઈ આવી છે. (એપ્રિલ-ડિસેમ્બર, 2021) સોનાની આયાત બમણીથી વધુ વધીને $38 બિલિયન થઈ ગઈ છે. વાણિજ્ય મંત્રાલયના આંકડા પરથી આ માહિતી મળી છે. સોનાની આયાત ચાલુ ખાતાની ખાધ (CAD)ને અસર કરે છે. એપ્રિલ-ડિસેમ્બર 2020માં સોનાની આયાત $16.78 બિલિયન રહી હતી. ડેટા મુજબ, ડિસેમ્બર, 2021માં સોનાની આયાત વધીને $38 બિલિયન થઈ હતી. જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં $4.5 બિલિયન હતી.
શા કારણે સોનામાં લોકો વધુ પ્રમાણમાં રોકાણ કરે છે
બુલિયન બજારના અનુભવિ લોકોનું કહેવું છે કે રોકાણ માટે સોનું ભારતમાં સૌથી સુરક્ષિત મનાય છે. મધ્યમવર્ગથી માંડીને મોટા લોકો માટે એક પ્રકારનો વીમો છે, જ્યારે પણ લોકોને જરૂર પડે છે ત્યારે મદદે સૌથી પહેલાં આ જ સોનું તેમની મદદે આવે છે. શેરબજારમાં કોરોના સંકટ વચ્ચે વધી રહેલી અનિશ્ચિતતાને કારણે લોકોનું આકર્ષણ ફરી એકવાર સોના તરફ વધ્યું છે. જેના કારણે સોનાની માંગમાં વધારો થયો છે. માંગ વધતાં સોનાની આયાતમાં વધારો થયો છે.
ભારત વિશ્વનો સૌથી વધુ સોનાની આયાત કરતો બીજા નંબરનો દેશ
ભારત વિશ્વમાં બીજા નંબરનો દેશ છે. જે સૌથી વધુ સોનાની આયાત કરે છે. ભારત કરતાં ફક્ત ચીન આગળ છે જે દુનિયામાં સૌથી વધુ સોનાની આયાત કરે છે. ભારતમાં જ્વેલરી ઉદ્યોગની માંગને પહોંચી વળવા સોનાની આયાત કરાય છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ 71 ટકા વધીને $29 મિલિયન થઈ ગઈ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશની ચાલુ ખાતાની ખાધ $9.6 બિલિયન અથવા કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) ના 1.3 ટકા હતી.
વેપાર ખાધ પણ વધી
નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં સોનાની આયાતમાં થયેલા વધારાને કારણે વેપાર ખાધ 142.44 અબજ ડોલર થઈ છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 61.38 અબજ ડોલર હતી. તેવી જ રીતે, નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં ચાંદીની આયાત વધીને $2 બિલિયન થઈ હતી જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં $762 મિલિયન હતી.