દેશમાં કોરોનાની ત્રીજી લહેર હાહાકાર મચાવી રહી છે, ત્યારે સૌથી વધારે ખતરો નાના બાળકો પર હોવાનું માનવામાં આવી રહ્યું છે. કેમ કે નાના બાળકોને કોરોનાની વેક્સિનનું કવચ નથી એટલે બાળકો કોરોનાનો શિકાર વધારે થઇ શકે એવી શક્યતાઓ છે. ત્યારે એવામાં નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેમાં નાના બાળકોને લઇને અનેક સૂચનો કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે બાળકો અને કિશોરો માટે માસ્કને લઇને નવી માર્ગદર્શિકા જાહેર કરી જેના પ્રમાણે આરોગ્ય મંત્રાલયે કહ્યું કે પાંચ વર્ષ અને તેથી ઓછી ઉંમરના બાળકો માટે માસ્કની ભલામણ કરવામાં આવતી નથી. જ્યારે 6-11 વર્ષની વયના બાળકો તેને માતાપિતાની સીધી દેખરેખ હેઠળ સુરક્ષિત રીતે પહેરી શકે છે. 12 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોએ પુખ્ત વયના લોકો જેવા જ માસ્ક પહેરવા જોઈએ.
વિશેષજ્ઞોના જૂથે ખાસ કરીને ઓમિક્રોનના કારણે કોરોનાના કેસોમાં હાલના વધારાને ધ્યાનમાં રાખીને માર્ગદર્શિકાની સમીક્ષા કરી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે વિવિધ દેશો દ્વારા ઉપલબ્ધ ડેટા મુજબ ઓમિક્રોન વેરિઅન્ટથી થતો રોગ ઓછો ગંભીર છે. જો કે, સાવચેતીપૂર્વક દેખરેખની જરૂર છે, કારણ કે ત્રીજી લહેર હજુ પણ દેશમાં ચાલુ છે. કોરોના સંક્રમણને જોતા સરકારે બાળકો માટે આ ખાસ સમિક્ષા માર્ગદર્શિકા જાહેર કરી છે. એન્ટિવાયરલ દવાઓ પણ બાળકો અને કિશોરોને આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.