ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ હિંમતનગરની મુલાકાતે હતા. હિંમતનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને પેજ સમિતિ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં પેજ સમીતીના પ્રણેતા અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સીઆર પાટિલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો. સીઆર પાટિલે આ દરમિયાન ભવ્ય રોડ શો પણ કર્યો હતો.
સીઆર પાટિલે કહ્યુ કે, ભાજપની તાકાત કાર્યકરો છે, તેમની તાકાતને કારણે જ ભાજપ પેટા ચૂંટણી, મહાનગરપાલિકાની ચૂંટણી, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં જીત મેળવે છે. ભાજપનો એક એક કાર્યકર ચૂંટણી જીતવા સક્ષમ છે.
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે કાર્યકરોને વિશ્વાસમાં લેતા કહ્યુ કે, ભાજપનો દરેક કાર્યકર જીત માટે સંકલ્પ કરે, ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતી જનતા જનાર્દનની સેવા કરે છે. ભાજપમાં દરેક કાર્યકરને તેના પર્ફોમન્સના આધારે યોગ્ય સ્થાન મળશે જ.
સીઆર પાટિલે કહ્યુ કે, દરેક કાર્યકર ચૂંટણીમાં ટીકીટ માંગી શકે છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં 100થી વધુ નવા ધારાસભ્યોના ઉમેદવારોની યાદી જોવા મળશે. ચૂંટણી માટે ક્યા ઉમેદવારને ટીકીટ આપવી તે ભાજપ હાઇકમાન્ડ નક્કી કરે છે. જે સર્વે કરી ઉમેદવારે પ્રજાનો વિશ્વાસ મેળવ્યો હશે તેવા નવા ચહેરાને તક આપવામાં આવશે.