ગાંધીનગરઃ રાજ્યમાં આ વર્ષે સ્કૂલ-કોલેજમાં 21 દિવસના દિવાળી વેકેશનની શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને દિવાળી વેકેશનની જાહેરાત કરી હતા. આ વર્ષે ફેરફાર કરીને વેકેશનમાં 8 દિવસનો વધારો થયો છે. ટ્વીટમાં શિક્ષણ મંત્રીએ લખ્યું છે કે, દિવાળી એ હિન્દુ ધર્મનો સૌથી મોટો પારિવારીક તહેવાર છે તે હેતુસર વેકેશનના દિવસોમાં ફેરફાર કર્યો છે.
આ વર્ષે રાજ્યની સ્કૂલોમાં પ્રથમ સત્રમાં અભ્યાસના 117 દિવસ રહેશે, જ્યારે બીજા સત્રમાં 136 દિવસનું શૈક્ષણિક કામકાજ થશે. સ્થાનિક રજાઓને બાદ કરતાં વર્ષ દરમિયાન 245 દિવસનું શૈક્ષણિક કાર્ય થશે. પ્રથમ સત્ર 30 ઓક્ટોબર સુધી ચાલશે. ત્યાર બાદ 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવશે. જ્યારે બીજા સત્રનો પ્રારંભ 22 નવેમ્બરથી થઈ શકે છે. વર્ષ દરમિયાન કુલ 80 રજા નક્કી કરાઈ છે, જેમાં સ્થાનિક રજા ઉપરાંત જાહેર રજા, ઉનાળું અને દિવાળી વેકેશનનો સમાવેશ થાય છે.
સ્કૂલોમાં સ્થાનિક રજાઓ ઉપરાંત 21 દિવસનું દિવાળી વેકેશન અને 35 દિવસનું ઉનાળું વેકેશન રહેશે. જ્યારે 16 જાહેર રજાઓ વર્ષ દરમિયાન આવશે. સમગ્ર વર્ષ દરમિયાન કુલ રજાઓ 80 દિવસની રહેશે.
ઉચ્ચ શિક્ષણના વિવિધ મંડળો દ્વારા થયેલ રજૂઆત મુજબ છેલ્લા ૨ વર્ષથી ચાલી આવેલ ૧૩ દિવસનું દિવાળી વેકેશન હિન્દુ ધર્મ માટે સૌથી મોટો પારિવારિક તહેવાર હોવાથી ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવે છે.
— Jitu Vaghani (@jitu_vaghani) October 26, 2021