ગાંધીનગરઃ કોરોનાને કારણે ગત વર્ષે ધોરણ 10 અને 12ની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે કેસ ઓછા છે અને સ્થિતિ સામાન્ય છે જેથી બોર્ડની પરીક્ષા લેવાશે. CBSE એ 30 ટકા કોર્ષ ઘટાડાની જાહેરાત અગાઉ જ કરી હતી. જેને લઈને લોકોને ગુજરાત બોર્ડમાં પણ 30 ટકા કોર્સ ઘટવાની આશા હતી. પરંતુ શિક્ષણ વિભાગના અધિકારીએ કોર્સ ઘટાડવા અંગે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ગુજરાત બોર્ડમાં કોર્ષ ઘટશે નહીં.
ગુજરાત બોર્ડ CBSE બોર્ડને અનુસરીને જ નિર્ણય લેતું હોય તેવું ભૂતકાળમાં થયેલા નિર્ણય પરથી સાબિત થયું હતું. ત્યારે CBSE બોર્ડે વર્ષ 2021-22ના શૈક્ષણિક વર્ષમાં 30 ટકા કોર્સ ઘટાડયો હતો. જેથી ગુજરાત બોર્ડમાં કોર્સ ઘટાડો થાય તેવી આશા સૌને હતી. જોકે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલે જણાવ્યું છે કે, ગુજરાત બોર્ડમાં 30 ટકા કોર્સ નહીં ઘટે, વિદ્યાર્થીઓએ 100 ટકા કોર્સના અભ્યાસ સાથે જ પરીક્ષા આપવાની રહેશે.
ડી.એસ.પટેલે જણાવ્યું હતું કે, સરકારે અગાઉ જાહેરાત કરી જ હતી કે કોર્સ નહીં ઘટે. અત્યારે સ્કૂલો સંપૂર્ણ ચાલી રહી છે, તો કોર્ષ શા માટે ઘટાડવામાં આવે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પણ સંપૂર્ણ અભ્યાસક્રમ સાથે જ લેવામાં આવશે. વિદ્યાર્થીઓએ 100 ટકા અભ્યાસક્રમ સાથે જ પરીક્ષા આપવાની રહેશે.