ગુજરાતમાં છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતાએ રાજીનામાં આપ્યા બાદ નવી નિમણુંક અંગેના વિવાદનો અંત આવી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે ઠાકોર સમાજના આગેવાન અને ઉત્તર ગુજરાતના નેતા જગદીશ ઠાકોરને કમાન સોંપવામાં આવે તેવી શકયતાઓ છે. જ્યારે વિરોધ પક્ષના નેતા પદે આદિવાસી નેતા સુખરામ રાઠવાનું નામ ફાઈનલ થઈ ગયું હોવાનું માનવામાં આવે છે.
ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખ પદ અને વિરોધ પક્ષના નેતા માટે લાંબા સમયથી ખેચતાણ ચાલી રહી હતી. જેમા અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી અને હાર્દિક પટેલ પ્રમુખ બનવા માટે લોબિંગ કરી રહ્યા હતા. પરંતુ અંતે જૂથવાદને બાજુએ મુકી કોંગ્રેસે જગદીશ ઠાકોરને પ્રમુખ બનાવવાની હિમચાલ કરી વિધાનસભાની આગામી ચૂંટણીઓ માટેના નવા જ સમીકરણો ઉભા કર્યા છે.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના નિધન બાદ રાજસ્થાનના આરોગ્યમંત્રી રઘુ શર્માને નવા પ્રભારી બનાવાયા હતા. તેમણે ગાંધીનગરમાં કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક યોજી હતી. તેમણે રાહુલ ગાંધીના નિવાસસ્થાને ગુજરાતના 25 નેતા સાથે રાહુલ ગાંધી સાથે નવા નેતાઓ અંગે ચર્ચાઓ કરી હતી.