સુરતના પાંડેસરામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનારા દોષિતને કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે સુરતમાં દસ જ દિવસમાં બાળકી પર રેપ વિથ મર્ડર કેસમાં આરોપીને ફાંસીની આ બીજી ઘટના છે.
સરકારી વકલી નયન સુખડવાલાએ કહ્યું હતું કે, આરોપીના ફોનમાંથી પોર્ન વીડિયો ક્લિપ પણ મળી આવી હતી. બાળકીના શરીર પરથી 49-49 જેટલા ઈજાના નિશાન પણ મળી આવ્યાં હતાં. કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીએ બેરહેમીપૂર્વક દુષ્કર્મ ગુજારી હત્યા કરી છે. જેથી તેને દેહાંતદંડની સજા ફટકારવામાં આવે.
હાલમાં લાજપોર જેલમાં જેલવાસ ભોગવતા આરોપી દિનેશ બૈસાણે વિરુદ્ધ પોલીસે ગણતરીના દિવસોમાં જ ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યાર બાદ સ્પીડી ટ્રાયલમાં મહત્ત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષી, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફૂટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ, ભોગ બનનારનાં માતા-પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામની તપાસ-ઉલટ તપાસ બાદ કોર્ટે તાબડતોબ ફાંસીની સજા સંભળાવી હતી.આ કેસની સંવેદનશીલતાને જોતાં પોલીસે તમામ તપાસ આટોપીને માત્ર 15 દિવસમાં દિનેશ બૈસાણે સામે 232 પાનાંની ચાર્જશીટ રજૂ કરી હતી.