કહેવાય છે ડોક્ટર દર્દી માટે ભગવાન હોય છે, પરંતુ તેજ ભગવાન દર્દી માટે મોતનું કારણ બને તો શું કહેવું? હાલ ગુજરાતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે સાંભળીને કદાચ તમારા હોંશ ઉડી જશે. ગુજરાતના નડિયાદમાં એક દર્દી પથરીના અસહ્ય દુ:ખાવાથી કંટાળીને હોસ્પિટલમાં દાખલ થયો હતો, પરંતુ તેને ક્યાં ખબર હતી કે હોસ્પિટલ જવાનો તેનો નિર્ણય તેના માટે મોતનું કારણ બનશે.
અહીંયાની હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારીના કારણે આ દર્દીની પથરી કાઢવાના બદલે કિડની જ કાઢી નાંખી હતી. ડોક્ટરોએ શરીરમાં જરૂરી અંગ એવી કિડની કાઢી નાંખ્યાના 4 મહિના પછી દર્દીનું મોત થઈ ગયું હતું. હવે ગુજરાત ઉપભોક્તા નિવારણ આયોગે કેએમજી હોસ્પિટલ (KMG Hospital)ને દર્દીના પરિવારજનોને 11.23 લાખ રૂપિયાનુ વળતર ચૂકાવવાનો આદેશ કર્યો છે.
ખેડા જિલ્લામાં વાંગરોલી ગામના નિવાસી દેવેન્દ્રભાઈ રાવલ તેમના કમરના દુ:ખાવા અને પેશાબ કરવામાં પડતી મુશ્કેલીની ફરિયાદની સાથે બાલાસિનોરમાં આવેલી KMG જનરલ હોસ્પિટલમાં ડો. શિવુભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. મે 2011માં જાણવા મળ્યું હતું કે દેવેન્દ્રભાઈ રાવલની કિડનીમાં 14 MMની પથરી છે. તેમણે સારામાં સારી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી, પરંતુ તેમણે KMG હોસ્પિટલમાં જ સર્જરી કરાવવાની ઈચ્છા જણાવી હતી. 3 સપ્ટેમ્બર 2011ના રોજ દેવેન્દ્રભાઈ રાવલનું ઓપરેશન કરવામાં આવ્યું. પરિવાર ત્યારે ચોંકી ગયો, જ્યારે ડોક્ટરે જણાવ્યું કે પથરીની જગ્યાએ તેમની કિડની જ કાઢી નાખવામાં આવી છે.
ડોક્ટરે પરિવારજનોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, આ દર્દીના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જ આ ઓપરેશન કરવામાં આવ્યું છે.ઓપરેશન બાદ જ્યારે દેવેન્દ્રભાઈ રાવલને પેશાબ કરવામાં પહેલા કરતા વધુ મુશ્કેલી પડવા લાગી તો તેમણે તાત્કાલિક નડિયાદની કિડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં તેમની હાલત વધુ કથરવા લાગી તો તેમને અમદાવાના IKDRC હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં 8 જાન્યુઆરી 2012ના રોજ તેમનું મૃત્યું થયું હતું.
ત્યારબાદ દેવેન્દ્રભાઈ રાવલની વિધવા પત્ની મીનાબેને નડિયાદના કન્ઝ્યુમર વિવાદ નિવારણ આયોગનો સંપર્ક કર્યો હતો, અને કોર્ટમાં કેસ ચાલ્યો હતો. અહીં સારવાર દરમિયાન થયેલી લાપરવાહીના કારણે વર્ષ 2012માં ડોક્ટર, હોસ્પિટલ અને યૂનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરેન્સ કંપની લિમિટેડને 11.23 લાખ રૂપિયાનું વળતર પરિવારજનોને આપવાનો નિર્ણય કરાયો હતો.