2020-21માં પોલીસ કસ્ટડીમાં મોત મામલે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાન પર છે. ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં સૌથી વધુ 17 આરોપીના મોત થયા છે, તે બાદ મહારાષ્ટ્રમાં પોલીસ કસ્ટડીમાં 13 આરોપીના મોત થયા છે.આ સિવાય દેશના કોઇ પણ રાજ્યમાં પોલીસ કસ્ટડીમાં ડબલ અંકમાં કોઇ પણ આરોપીના મોત થયા નથી.
કેન્દ્રીય ગૃહમંત્રાલયની લેટેસ્ટ રિપોર્ટ અનુસાર વર્ષ 2020-21માં દેશભરમાં કુલ 100 આરોપીના પોલીસ કસ્ટડીમાં મોત થયા છે.
સરકારના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં મોતના સાત કેસમાં રાષ્ટ્રીય માનવઅધિકાર આયોગ પાસે મૃતકના પરિવારને 24 લાખ રૂપિયાની સહાયતા રકમ આપવાની ભલામણ કરવામાં આવી છે. વર્ષ 2018-19 દરમિયાન ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં 13 આરોપીના મોત થયા છે, તેના આગલા વર્ષે 2019-20માં 12 આરોપીના મોત જ્યારે 2020-21માં પોલીસ કસ્ટડીમાં મૃતકોની સંખ્યા 17 થઇ ગઇ છે.
કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાત પછી પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર આવે છે. અહી પોલીસ કસ્ટડીમાં 13 આરોપીના મોત થયા છે. ઉત્તર પ્રદેશ, બંગાળ અને મધ્ય પ્રદેશમાં 8-8 આરોપીના પોલીસ કસ્ટડીમાં મોત થયા છે. આંધ્ર પ્રદેશમાં 3, બિહારમાં 3, અરૂણાચલ પ્રદેશમાં 1, આસામમાં 1, હરિયાણામાં 3, જમ્મુ અને કાશ્મીરમાં 2, કેરળમાં 1, મેઘાલયમાં 2, પંજાબમાં 2, રાજસ્થાનમાં 3,તમિલનાડુમાં 2, દિલ્હીમાં 4, છત્તીસગઢમાં 3, ઉત્તરાખંડમાં 1 અને તેલંગાણામાં પોલીસ કસ્ટડીમાં એક આરોપીનું મોત થયુ છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના એક રિપોર્ટ અનુસાર આખા ભારતમાં છેલ્લા 20 વર્ષમાં કસ્ટડીમાં મોતને લઇને 893 પોલીસ કર્મીઓ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેમાંથી માત્ર 358 વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે પરંતુ 2006માં કસ્ટડીમાં મોતના કેસમાં 11 પોલીસ અધિકારીઓને દોષી ઠેરવવામાં આવ્યા હતા. સાત પોલીસ કર્મીને યુપીમાં અને ચારને મધ્ય પ્રદેશમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા.