ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વિસ્ફોટ થતા ભૂપેન્દ્ર સરકારે એક પછી કડક નિર્ણયો લેવાની શરૂઆત કરી દીધી છે. સરકારે લગ્નપ્રસંગને લઇને ગાઇડલાઇન બદલી છે. લગ્ન સમારોહમાં હવે 400ને બદલે 150 વ્યક્તિની જ છૂટ રહેશે. આમ રાજ્ય સરકારે 4 દિવસ પહેલા જાહેર કરેલા નિયંત્રણોમાં ફેરફાર કરી પલટી મારી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ ફેરફારો આવતીકાલે એટલેકે તારીખ 12મી જાન્યુઆરી 2022થી અમલમાં આવશે અને તારીખ 22 જાન્યુઆરી 2022ના સવારે 06:00 વાગ્યા સુધી અમલમાં રહેશે.
હવે રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ,ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે. બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યામાં યોજી શકાશે. રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. આવા લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે.અગાઉ સરકારે 7 જાન્યુઆરીએ ખુલ્લી જગ્યામાં લગ્ન માટે 400 લોકોની છૂટ હોવાની જાહેરાત કરી હતી.
નોંધનીય છે કે રાજ્યમાં 8 મહિના બાદ પહેલીવાર રાજ્યમાં 7 હજારથી વધુ કેસ આવ્યા છે. 24 કલાકમાં રાજ્યમાં 7476 નવા કેસ નોંધાયા છે. ત્રીજી લહેરમાં પહેલીવાર સુરતમાં 2 હજારથી વધુ કેસ નોંધાયા છે. વલસાડ, સુરત અને પોરબંદર જિલ્લામાં 1-1 દર્દી મળી રાજ્યમાં 3 દર્દીના મોત થયા છે.