રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે. કૃષિ મંત્રીએ કહ્યુ કે ખેડૂતોને 15 હજાર સુધીની મોબાઇલ ખરીદીમાં 10% સહાયની જાહેરાત સરકાર દ્વારા કરાઇ હતી. હવે તેમાં વધારો કરીને ખેડૂતોને 15 હજાર સુધીના મોબાઇલ ખરીદીમાં 40% સહાય આપવામાં આવશે. એટલે કે ખેડૂતોને 6 હજાર રૂપિયા જેટલી સહાય મળશે.
આ ઉપરાંત સ્માર્ટફોન ખરીદી માટેની સહાય ખેડૂતોને સરળતાથી મળે તે માટે સામાન્ય ડૉક્યુમેન્ટ લેવા માટે મંત્રાલયને સૂચના આપવામાં આવી છે.
અત્યારે ખેડૂત 10 હજારની કિંમતનો મોબાઇલ ફોન લેવા જાય તો તેને 1000 રૂપિયાની સહાય મળે છે જ્યારે 20,000થી વધુની રકમનો મોબાઇલ ખરીદે ત્યારે તેમને 1500 રૂપિયા જેટલી સહાય મળે છે. સ્માર્ટ મોબાઇલની ખરીદી પર ખેડૂતને જે સહાય આપવામાં આવે છે, તેના કરતા વધુ ડિસ્કાઉન્ટ તો મોબાઇલ ફોન વિક્રેતા આપે છે.
ખેડૂતને આ સહાય મેળવવા માટે પણ ઓનલાઇન અરજી કર્યાની પ્રિન્ટ, મંજૂરી હુકમ, 7/12/8નો દાખલો, સ્માર્ટ મોબાઈલનું જીએસટીવાળું બિલ જેવા થોકડોબંધ દસ્તાવેજો આપવા પડે છે અને 2 મહિને સહાયની રકમ ખેડૂતોના બેંકના એકાઉન્ટમાં જમા થાય છે.