ગુજરાત સરકાર આગામી સમયમાં 3300 વિદ્યાસહાયકોની ભરતી કરશે. જેમાં ધોરણ 1થી 5માં 1300 અને ધોરણ 6થી 8માં 2000 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. જેનો લાભ ટેટ પાસ કરનારા ઉમેદવારોને મળશે. આ અંગે શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ જાહેરાત કરી હતી.
શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ ડિપ્લોમા કોમ્યુનિકેશનના નવા અભ્યાસક્રમ શરૂ કરવાની જાહેરાત કરતા કહ્યું કે, શિક્ષણ વિભાગે આઠ સરકારી પોલિટેકનિક ખાતે ડિપ્લોમા ઈન ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજીનો નવો અભ્યાસક્રમ શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ આઠ પોલિટેકનિકમાં સરકારી પોલિટેકનિક-વડનગર, ડો.જે.એન.મહેતા પોલિટેકનિક-અમરેલી, એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા)-મોરબી, AVPTI રાજકોટ, સરકારી પોલિટેકનિક-પાલનપુર ઉપરાંત કન્યાઓ માટેની સરકારી પોલિટેકનિક સુરત, સરકારી પોલિટેકનિક-ગાંધીનગર અને કન્યાઓ માટેની સરકારી પોલિટેકનિક અમદાવાદનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શિક્ષણ મંત્રીએ ઉમેર્યું કે, રાજ્યની કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ. 20 હજારની કિંમતના ટેબલેટ માત્ર રૂ.1 હજારના દરે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા છે. તેના વિતરણમાં હાલ વિલંબ થયો છે.
તે સિવાય ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ની 373 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે.ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવાઈ હતી, જેમાં લોકરક્ષક દળમાં ભરતી માટે કુલ 12 લાખ જેટલી અરજીઓમાંથી 9.46 લાખ અરજી કન્ફર્મ થઈ હતી. આમ, LRDમાં એક જગ્યા માટે કુલ 95 ઉમેદવારો દિવસ-રાત મેદાનમાં અને ક્લાસમાં તૈયારી કરી રહ્યા છે.