ગાંધીનગરઃ ગુજરાત પોલીસમાં એલઆરડી (લોકરક્ષક દળ)ની 10,459 જગ્યાની ભરતી જાહેર કરી હતી. સોમવારે રાતે 12 વાગ્યે ફોર્મ ભરવાનું બંધ થયું હતુ. LRDની 10 હજાર 459 જગ્યાઓ સામે 11 લાખ કરતા પણ વધુ ફોર્મ ભરાયા છે. જેમાંથી 9 લાખ કરતા વધુ ઉમેદવારોએ કન્ફમ કર્યું છે.
લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે. જેમાં મહિલાઓ માટે એસઆરપી સિવાયની બંને કેટેગરીમાં મળીને 1983 જગ્યા અનામત રખાઇ છે.5 લાખ 56 હજાર 441 વધુ પુરુષો ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જ્યારે 2 લાખ 06 હજાર 266 જેટલી મહિલાઓએ ઉમેદવારી નોંધાવી છે. આગમી 1થી 10 ડિસેમ્બર વચ્ચે શારીરિક કસોટી યોજાશે.
લોક રક્ષક દળની 2 મહિના સુધી ભરતી પ્રક્રિયા ચાલુ રહેશે. 10 ફેબ્રુઆરી સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે. માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં લેખિત પરીક્ષા લેવાશે જયારે કે 20 નવેમ્બર આસપાસ કોલ લેટર ઇસ્યું કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે સરકારે તમામ ભરતીઓ માટેની મહત્તમ વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવાનો નિર્ણય લીધો હોવાથી આ ભરતી માટે મહત્તમ વય મર્યાદા 34 વર્ષ રાખી છે. ફિઝિકલ ટેસ્ટમાં પાસ થનારા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે.