સ્ટાર ઓફ સ્પિનર હરભજન સિંહે તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કરી દીધુ છે. સંન્યાસ પછી હરભજન ખુલીને સામે આવી રહ્યા છે, તેણે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પર કેટલાક મોટા આરોપ લગાવ્યા છે. હરભજનનું કહેવુ છે કે તેમણે ટીમની બહાર કેમ કરવામાં આવ્યો, તેનું કારણ પણ કોઇએ જણાવ્યુ નથી.
હરભજને કહ્યુ, હું 31 વર્ષનો હતો ત્યારે મે ટેસ્ટમાં 400 વિકેટ ઝડપી લીધી હતી. જો હું 31 વર્ષની ઉંમરમાં 400 વિકેટ લઇ લઉં છું, ત્યારે આગામી 8-9 વર્ષમાં મને વિશ્વાસ હતો કે હું ઓછામાં ઓછી 100 વિકેટ લઇ શકુ છુ પરંતુ તે બાદ મને વધુ મેચમાં રમાડવામાં ના આવ્યો. મોટી વાત એ છે કે મને સિલેક્ટ પણ કરવામાં આવતો નહતો.
હરભજને કહ્યુ કે જે ખેલાડીએ 400 વિકેટ ઝડપી હોય, તેને બહાર કેવી રીતે બેસાડી શકાય છે. આ ચોકાવનારી વાત છે. આ વાતનો અત્યાર સુધી ખુલાસો પણ નથી થયો. હકીકતમાં શું થયુ? ટીમમાં મારા રહેવાથી કોને પ્રોબ્લેમ હતી? આ બધી વાતોને લઇને હું અત્યાર સુધી હેરાન છું.
ધોનીએ હરભજનને કોઇ જવાબ ના આપ્યો
હરભજને કહ્યુ, મે પોતાની વાત કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સામે રાખી હતી પરંતુ મને કોઇ જવાબ ના મળ્યો. ત્યારે મને આ અનુભવ થયો કે મને બહાર કરવાનું કોઇ કારણ કહેવામાં નહી આવે, તેની પાછળ કોણ છે, એ પણ ખબર નથી. જ્યારે વારંવાર કહેવા પર પણ જવાબ ના મળ્યો તો સારૂ થયુ કે મે કહેવાનું જ છોડી દીધુ.
ટેસ્ટમાં હરભજને ઝડપી 417 વિકેટ
સંન્યાસની જાહેરાત કરતા સમયે 41 વર્ષના હરભજને લખ્યુ હતુ, હું તે રમતને અલવિદા કહી રહ્યો છું જેને મને જીવનમાં બધુ આપ્યુ છે, તમામ સારી વસ્તુ સમાપ્ત થઇ જાય છે. હું તે તમામનો આભાર માનવા માંગુ છું, જેમણે આ 23 વર્ષની લાંબી સફરને વધુ સારી અને યાદગાર બનાવી. હરભજને પોતાની શાનદાર કરિયર દરમિયાન 103 ટેસ્ટમાં 417 વિકેટ, 236 વન ડે મેચમાં 269 વિકેટ અને 28 ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં 25 વિકેટ ઝડપી છે.