ઇન્ડિયન પ્રિમિયર લીગ (IPL) 2022માં આ વખતે બે નવી ટીમનો સમાવેશ થવા જઇ રહ્યો છે. જેમાં પહેલી છે લખનઉ અને બીજી ટીમ અમદાવાદનની છે. લખનઉની સાથે કોઈ સમસ્યા નહોતી, પરંતુ અમદાવાદની ટીમને ખરીદનાર CVC ગ્રુપના સટ્ટા લગાવનાર કંપનીઓ સાથે સંબંધ હોવાની વાત સામે આવી હતી. ત્યારબાદ BCCIએએક કમિટીની રચના કરી હતી, જેણે પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગની 2022 સિઝનમાં સામેલ અમદાવાદની ટીમને BCCIએ ગ્રીન સિગ્નલ આપી દીધું છે. આ ટીમની માલિક કંપની CVC કેપિટલ્સ સામે વાંધો ઉઠ્યા બાદબોર્ડે એક કમિટિની રચના કરી યોગ્ય રિપોર્ટ્સ સોંપવા જણાવ્યું હતું. જે અંગે કમિટિએ ફાઈનલ નિર્ણય સોંપી દેતા બોર્ડે આ CVC કેપિટલ્સને IPLમાં ટીમ બનાવવાની અનુમતિ આપી દીધી છે. જોકે હજુ સુધી આ મુદ્દે બોર્ડના અધિકારી કે BCCIએ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. ઓક્શન પહેલા અમદાવાદની ટીમ અંગે BCCI સત્તાવાર જાહેરાત કરી શકે છે અને ટીમના મુખ્ય કોચ અને કેપ્ટન તરીકેની પણ જાહેરાત કરી શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સમાંથી રિલીઝ થયેલા હાર્દિક પંડ્યાને અમદાવાદ ટીમની કમાન મળી શકે છે. હાર્દિક પંડ્યા હાલ ખરાબ ફોર્મમાં છે અને ભારતીય ટીમમાંથી તેને પડતો મુકવામાં આવ્યો છે. તે હાલ પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યો છે. હાર્દિક પંડ્યા પહેલા શ્રેયસ અય્યરને પણ અમદાવાદ ટીમની કમાન મળવાની ચર્ચા થઇ હતી. પરંતુ આ અંગે હજી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.
CVC ફ્રેન્ચાઇઝી દ્વારા ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને સુકાની બનાવવામાં આવે તેવા સંકેત મળ્યા છે. આ ઉપરાંત અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાનને પણ ટીમ સાંકળવામાં આવે તેવી સંભાવના છે. અહેવાલ મુજબ આશીષ નેહરાને ટીમનો મુખ્ય કોચ તથા ભારતના ભૂતપૂર્વ કોચ સાઉથ આફ્રિકાના ગેરી કર્સ્ટનને મેન્ટર બનાવવામાં આવ્યા છે. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર વિક્રમ સોલંકીને ડાયરેક્ટર ઓફ ક્રિકેટ તરીકે નીમવામાં આવ્યો છે. હાર્દિક અને રાશિદને તેમની જૂની ફ્રેન્ચાઇઝી ટીમોએ રિટેન કર્યા નથી.