ગુજરાતમાં અત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ન હોવાથી કોંગ્રેસ નિરાધાર છે, એટલા માટે જ દિલ્લીમાં રાહુલ ગાંધીના નિવાસ સ્થાને પ્રદેશ કોંગ્રેસના નેતાઓની આજે વન ટુ વન બેઠકો યોજાઈ જેમાં યુવા નેતા અને કાર્યકારી પ્રમુખ એવા હાર્દિક પેટલને સામે વિરોધના સુર દેખાયા છે. જુના જોગીઓએ તો સ્પષ્ટ જમાણી દીધુ છે કે જો હાર્દિકને ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળવા આપવામાં આવશે તો કોંગ્રેસમાં ફરીથી મોટુ ભંગાણ સર્જાશે.
શક્યતાઓ એવી પણ છે કે 15થી વધુ ધારાસભ્યો કોંગ્રેસ છોડી શકે છે. હાર્દિક પટેલે કમાન સોંપવાના વિરોધથી હવે હાઈકમાંડ પણ વિચારી રહ્યુ છે કે સમસ્યાનું સમાધાન લાવવુ કઈ રીતે કારણ કે ભાજપે તો પોતાની આખી યુવા ટીમ મેદાને ઉતારી દીધી છે અને ટીમ મેદાનમાં જોરદાર પ્રદર્શન પણ કરી રહી છે. વિરોધના સુર ઉઠતાંની સાથે હાર્દિક અને જિગ્નેશ મેવાણી બેઠકમાંથી બિહાર જવા માટે રવાના થઈ ગયા છે. કેટલાય સમયથી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષ નેતાએ રાજીનામુ આપ્યા બાદ નોંધારી બનેલી કોંગ્રેસ એકવાર પ્રભારી રઘુ શર્માને મોકલીને સમસ્યાનું સમાધાન કરવા માટે ગુજરાતની મુલાકેત મોકલ્યા પણ હતા પરંતુ કંઈ નક્કર પરિણામ ન આવતા આખો મામલો હવે દિલ્લી હાઈકમાંડ સુધી પહોંચી ગયો છે.
કયા સિનિયર નેતાઓએ હાર્દિક પટેલનો કર્યો વિરોધ ?
બેઠની શરૂઆતમાં હાર્દિક પટેલને પ્રદેશ પ્રમુખ બનાવવા માટે એક મત વ્યક્ત કરવામાં આવ્યો હતો પણ કોંગ્રેસના દિગ્ગજ અને સિનિયર નેતા ભરતસિંહ સોલંકી, નરેશ રાવલ, પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયાએ મતનો વિરોધ કર્યો અને હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસની કમાન ન સોંપાય તેવી ભાર પૂર્વક રજુઆતો કરી અને હાઈકમાન્ડ સમક્ષ એવો પણ દાવો કર્યો હતો કે પ્રમુખ પદે હાર્દિક હશે તો કોંગ્રેસમાં મોટું ભંગાણ પણ પડી શકે છે, ઉલ્લેખનીય છે કે આ પરોક્ષ ધમકી જ છે કે સિનિયર નેતાઓ ભંગાણની વાત કરે છે. રાહુલ ગાંધી સાથેની હાલની બેઠકમાં હાર્દિક સિવાયના બીજા કયા નેતાને પ્રમુખ પદ સોંપવામાં આવે તે અંગેની ચર્ચાઓ ચાલી રહી છે. એવું કહેવાય છે કે, હાર્દિકને પ્રમુખ બનાવવા માટે ખુદ રાહુલ ગાંધી તૈયાર છે પરંતુ પ્રભારી રઘુ શર્મા સહિતના ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ વિરોધ કરતાં હોવાથી બેઠકમાં અન્ય નામોની ગંભીર ચર્ચા ચાલી રહી છે. રાહુલ ગાંધી સાથેની બેઠકમાં શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, નરેશ રાવલ, કનુ કલસરિયા, બિમલ શાહ, જગદીશ ઠાકોર, અમીબહેન યાજ્ઞિક, મધુસુદન મિસ્ત્રી, દીપક બાબરિયા સહિત 15 જેટલા નેતાઓ હાજર છે.