ગુજરાતમાં કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે હાઇકમાન્ડે વિચારણા હાથ ધરી છે. દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખની નિમણૂંકની પ્રભારી ડૉ. રઘુ શર્માએ હાઇકમાન્ડ સાથે ચર્ચા કરી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Gujarat Congress) પ્રમુખ પદે જો સીનિયર નેતાની પસંદગી કરવામાં આવે તો શક્તિસિંહ ગોહિલનું નામ ટોપ પર છે. જ્યારે નવા યુવા ચહેરાને તક અપાશે તો હાર્દિક પટેલને (Hardik Patel) પ્રદેશ પ્રમુખ બનાવાય તેવી સંભાવના છે.
ગુજરાતમાં ભાજપે (BJP) વિધાનસભા ચૂંટણી લડવા તૈયારીઓ શરૂ કરી દીધી છે, જોકે, હજુ સુધી કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ ઉપરાંત વિધાનસભાના વિપક્ષના નેતાના ય ઠેકાણા નથી. ડૉ. રઘુ શર્માએ વર્કિંગ કમિટીની બેઠક બાદ હાઇકમાન્ડને ધારાસભ્યોએ આપેલા અભિપ્રાય સાથે એક રિપોર્ટ સોપ્યો હતો. હવે હાઇકમાન્ડ ગુજરાત (Gujarat) કોંગ્રેસના નવા સુકાની કોને બનાવવા તે અંગે આખરી નિર્ણય લેશે.