હરિયાણા સરકારે ખેડૂત આંદોલન દરમિયાન ખેડૂતો પર દર્જ કેસ પરત લેવાના આદેશ જાહેર કર્યા છે. આ મામલે રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરીએ તમામ ડેપ્યુટી કમિશનરોને પત્ર લખ્યો છે. પત્રમાં લખવામાં આવ્યુ છે કે રાજ્યમાં 9 સપ્ટેમ્બર 2020 બાદ ખેડૂતો પર દર્જ કેસ પરત લેવામાં આવશે. પત્રની કોપી પોલીસ વિભાગને પણ આપવામાં આવી છે.
વિધાનસભાના શિયાળુ સત્રના અંતિમ દિવસે વિધાનસભામાં સરકાર તરફથી જાણકારી આપવામાં આવી હતી કે ખેડૂત આંદોલન દરમિયાન ખેડૂતો પર દર્જ કેસોને પરત લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. હરિયાણામાં આંદોલન દરમિયાન કુલ 276 કેસ કરવામાં આવ્યા હતા જેમાં ચાર હત્યા-દુષ્કર્મ જેવા ગંભીર કેસ જોડાયેલા છે. હત્યા અને દુષ્કર્મ સાથે જોડાયેલા કેસ પરત નહી થાય. મુખ્યમંત્રીએ વિધાનસભામાં જણાવ્યુ હતુ કે 178 કેસમાં ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવી છે જ્યારે 57 અનટ્રેસ છે.
વર્તમાનમાં આઠ કેસનો કેન્સલેશન રિપોર્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે. જેમાંથી ચારને કોર્ટમાં ફાઇલ કરવામાં આવી ચુક્યો છે. 29 કેસને રદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. સીએમે કહ્યુ હતુ કે મૃતકોને વળતર આપવા માટે ખેડૂતો સાથે વાતચીત ચાલી રહી છે.
મહત્વપૂર્ણ છે કે કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાયદાને પરત લીધા બાદ પણ ખેડૂત દિલ્હી બોર્ડર પર બેઠેલા રહ્યા હતા. ખેડૂતોની માંગ હતી કે તેમની પર દર્જ કેસોને પરત લેવામાં આવે. રાજ્ય અને કેન્દ્ર સરકારે જ્યારે તેમણે આશ્વાસન આપ્યુ ત્યારે ખેડૂતોએ પોતાના ધરણા ખતમ કર્યા હતા. હવે હરિયાણા સરકારે ખેડૂતો પર દર્જ કેસને રદ કરવાના આદેશ જાહેર કર્યા છે.