કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગુરુવારે જમ્મુ-કાશ્મીર સાથે સંકળાયેલા મુદ્દાઓને લઈને એક હાઈલેવલ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક દિલ્હીના નોર્થ બ્લોક સ્થિત અમિત શાહની ઑફિસમાં મળી હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સિવાય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, સેના પ્રમુખ મનોજ પાંડે, રૉ ચીફ સામંત ગોયલ, CRPFના ડિરેક્ટર જનરલ કુલદીપ સિંહ, BSF ચીફ પંકજ સિંહ સહિત NIAના DG દિનકર ગુપ્તા પણ સામેલ થયા હતા.
આ બેઠકમાં જમ્મુ કાશ્મીરની વર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાય પાકિસ્તાન તરફથી સતત થઈ રહેલી ઘૂસણખોરી રોકવા અંગે મંથન કરવામાં આવ્યું હતુ.
અમિત શાહની અધ્યક્ષતામાં આજે બોલાવવામાં આવેલી હાઈ લેવલ બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ, કાશ્મીરી પંડિતો અને પરપ્રાંતિય કર્મચારીઓ પર આતંકવાદી હુમલા સહિત સરહદ પારથી આતંકવાદીઓની ઘૂસણખોરી જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ઘાટીમાં બિન કાશ્મીરીઓને આતંકવાદીઓ ટાર્ગેટ કરીને તેમની હત્યાને અંજામ આપી રહ્યાં છે. જેના કારણે બિન કાશ્મીરીઓમાં દહેશતનો માહોલ છે.