અમદાવાદઃ શહેરના સાબરમતી વિસ્તારમાં એક પતિએ તેની પત્ની, સાળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મળતી જાણકારી અનુસાર સાબરમતીમાં રહેતા એક પત્રકારે જ્યારે ઘરે આવ્યા ત્યારે તેમની પત્ની ફોન પર કોઈની સાથે વાત કરતી હતી. આ સમયે પતિએ કોની સાથે વાત કરે છે તેમ પૂછતાં પત્નીએ ગુસ્સે થઈને કહ્યું હતું કે, હું મારા નવા ધણી સાથે વાત કરું છું અને તારે શું લેવાદેવા છે, આપણે તો હવે છૂટાછેડા લેવાના છે તેમ કહીને ઝઘડો કરીને રસોડામાંથી દસ્તો લઈને પતિને માથામાં ફટકારી દીધો હતો. આ અંગે પત્રકાર પતિએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં પત્ની તથા સાળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
સાબરમતી ચેનપુરમાં કેશવવિલા ફલેટમાં રહેતા અને ગાંધીનગર જિલ્લામાં ફ્રીલાન્સ જર્નાલિસ્ટ તરીકે કામ કરતા વિરલગિરિ જયંતિગિરિ ગોસ્વામીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર શુક્રવારે રાતના નવેક વાગ્યે ઘરે આવ્યા બાદ તેમની પુત્રીને લઈને ફલેટના કંપાઉન્ડમાં ફરવા ગયા હતા. ઘરે પાછા આવીને જોયું તો તેમની પત્ની રીનાબેન જોઇ સાથે ફોન પર વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે પૂછ્યું કે કોની સાથે વાત કરે છે જેથી રીનાબેન ગુસ્સે થઇ ગયા હતા અને કહ્યું હતું કે, હું મારા નવા ધણી સાથે વાત કરુ છું અને તારે શું લેવાદેવા છે અને આપણે તો હવે છૂટાછેડા લેવાના છે. જેને લઇને બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો. તેમની પત્ની રીનાબેને રસોડામાંથી ખાંડણીનો દસ્તો લઈને આવી વિરલગિરિના માથામાં મારી દીધો હતો અને કહ્યું હતું કે, આજે તો તને છોડીશ નહીં.
તે વખતે વિરલગિરિની સાળી મોનાબેન તેમની સાથે ઝપાઝપી કરવા લાગી હતી અને કહ્યું હતું કે, તું તારી માતાને લઈને ઘરની બહાર નીકળી જા. ઇજાગ્રસ્ત વિરલગિરિને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. આ ઘટના બાદ તેમણે તેમની પત્ની અને સાળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.