ગાઝિયાબાદના ખોડા વિસ્તારની એક હોટલમાં એક પરીણિતા મહિલાની હત્યાની ઘટના સામે આવી છે. હત્યાનો આરોપ મૃતકના પતિ પર લગાવવામાં આવી રહ્યો છે. ઘટનાની જાણકારી મળતા જ ઘટનાસ્થળે પહોચેલી પોલીસે શબને કબજામાં લઇને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધો છે.
જાણકારી અનુસાર, હાપુડ જનપદના બહાદુરગઢ વિસ્તારમાં રહેતા પેટ્રોલ પંપ કર્મચારી અર્જુને ખોડામાં મીડિયા હાઉસ પાસે આવેલી દર્શન હોટલમાં 2 દિવસ પહેલા રૂમ ભાડે લીધુ હતુ. અર્જુનનો પત્ની સાથે છેલ્લા એક વર્ષથી વિવાદ ચાલતો હતો. સોમવાર સવારે તેને પોતાની પત્નીને વાત કરવા માટે હોટલના રૂમમાં બોલાવી હતી.
અહી કોઇ વાત પર બન્ને વચ્ચે ફરી વિવાદ થયો હતો. આ દરમિયાન ગુસ્સે થયેલા અર્જુને સવારે લગભગ 10 વાગ્યે ચાકુ મારીને પત્નીની હત્યા કરી નાખી હતી. ઘટના બાદ આરોપી ફરાર થઇ ગયો હતો. હોટલના સ્ટાફ દ્વારા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી.
પોલીસે શબ પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધો છે. પોલીસ અને ફોરેન્સિક ટીમ રૂમમાં પુરાવા ભેગા કરવાની સાથે જ હોટલમાં લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજ શોધી રહી છે. પોલીસની ટીમ આરોપીઓને પકડવા કામે લાગી છે.