અમદાવાદના હેબતપુર રોડ ઉપર રાતે જમી પરવારીને અંકલ અને આંટી પાલતુ કૂતરાને ફરાવવા નીકળ્યા હતા. જોકે રસ્તામાં બન્નેના કૂતરા સામ સામે આવી જતા એક કૂતરાએ બીજાને બચકું ભરી લીધું હતુ. જેના કારણે અંકલ-આંટીએ રોડ પર જ ઝઘડો શરૂ કરી દીધો હતો.
જોકે, આ મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો છે. પીઆઇએ મધ્યસ્થી કરતા લગભગ દોઢ કલાક બાદ બન્ને વચ્ચે સમાધાન થતા મામલો શાંત પડ્યો હતો.
હેબતપુર વિસ્તારમાં રહેતા એક અંકલ રાતે જમી પરવારીને કૂતરાને લઇને ફરાવવા નીકળ્યા હતા. જ્યારે એક આંટી પણ તેમના કૂતરાને લઇને ફરવા નીકળ્યા હતા. બન્ને કૂતરા એક બીજાની સામે આવી જતા ભસવાનું શરૂ કરી દીધુ હતુ. જેથી અંકલ-આંટી પોત પોતાના કૂતરાને ખેચીને દૂર લઇ ગયા હતા. અંકલ-આંટી વચ્ચે ત્યા જ ઝઘડો શરૂ થયો હતો.
અંકલ-આંટીએ એક બીજા સામે હાથ લંબાવી દલીલો કરીને અંગ્રેજીમાં જ બોલવાનું શરૂ કરી દીધુ હતુ જેના કારણે રોડ ઉપર રાહદારીઓ ભેગા થઇ ગયા હતા. થોડી વારમાં બન્નેએ એક બીજાના પરિચિતોને ફોન કરીને જાણ કરતા આ મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો હતો.
જોકે, અંકલ-આંટી બન્નેમાંથી કોઇ પોલીસ સ્ટેશને રૂબરૂ આવ્યા નહતા. પીઆઇ જેપી જાડેજા સમક્ષ આ મામલો પહોચતા તેમણે પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યુ કે, દોઢ કલાક સુધી અંકલ-આંટી વારા ફરથી ફોન ઉપર સાંભળીને સમજાવ્યા બાદ બન્નેએ સમાધાન કરી લીધુ હતુ. જેના કારણે આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નહતી.