દારૂનું વેચાણ કરતા બુટલેગરોને પકડવાની જવાબદારી પોલીસની હોય છે પણ પોલીસ કર્મચારી જ જો દારૂના ધંધામાં જોડાઇ જાય તો આરોપીને કોણ પકડશે? અમદાવાદમાં ઇગલ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો એક પોલીસ કર્મચારી દારૂની ખેપ મારતા પકડાયો છે.
અમદાવાદના ઇગલ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા ટ્રાફિક જવાન વસંત પરમાર દારૂની અલગ અલગ બ્રાન્ડ સાથે પકડાતા પાલડી પોલીસે કાર્યવાહી કરી છે. પાલડી પોલીસને માહિતી મળી હતી કે એક વ્યક્તિ એક્ટિવા લઇને પરિમલ અંડરબ્રિજથી સુવિધા ચાર રસ્તા થઇને સુમેરૂ કોમ્પલેક્ષ થઇ જૈન નગર તરફ જવાનો છે. આ માહિતીના આધારે પાલડી પોલીસે પહેલાથી જ વોચ ગોઠવી હતી.
વસંત પરમાર ત્યા આવતા તેને રોકીને પોલીસે તપાસ કરી હતી. પહેલા તેણે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. પાલડી પોલીસે વાહનની આગળ રહેલી બેગ ચેક કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની કુલ 27 બોટલ મળી આવી હતી. જે બાદ પાલડી પોલીસે ટ્રાફિક જવાનની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.