અમરેલીઃ હાલમાં લગ્નને જાજરમાન કરવાના અને મોંઘીદાટ કાર અને હેલિકોપ્ટરમાં જાન લઇ જવાનો જાણે રિવાજ જ બની ગયો હોય એવી સ્થિતિ છે. ત્યારે અમરેલીમાં બળદગાડામાં જ જાન નીકળી હતી. એટલું જ નહી વરરાજા પણ બળદગાડામાં બેસીને જાન લઇને નીકળ્યો હતો.
મૂળ સાવરકુંડલાના દિતલા ગામના અને હાલ સુરતમાં રહેતા ડોબરિયા પરિવારે પોતાના પુત્રની જાન બળદગાડામાં લઈ જવાનો નિર્ણય કર્યો હતો. ડોબરિયા પરિવારના સભ્યોએ ત્રણ મહિના પહેલાથી જ ગાડાને શણગારવાની તૈયારીઓ શરૂ કરી હતી. ભૂતકાળમાં બળદગાડામાં જાન નીકળતી ત્યારે જે રીતે ગાડા અને બળદને શણગારવામા આવતા તે જ રીતે ડોબરિયા પરિવારે ગાડા અને બળદને શણગાર્યા હતા. જાનમાં સામેલ થયેલા લોકો અને ખુદ વરરાજાએ 9 જેટલા ગાડામાં સવાર થઈ નીકળ્યા હતા. વર્ષો પહેલા લગ્નપ્રસંગે જાન ગાડામાં સવાર થઈને જ નીકળતી. પરંતુ, વાહનોના આગમન બાદ ધીમે ધીમે બળદગાડાની પરંપરા લુપ્ત થઈ ગઈ હતી.