દુનિયામાં કોરોના ફેલાવનાર ચીનને હવે કોરોનાથી એટલો ભય લાગે છે કે કોરોનાનો એક કેસ મળતાં જ સમગ્ર શહેરમાં કડક લોકડાઉન લગાવી દેવામાં આવે છે. અને આવા સમજ્યા વિચાર્યા વગરના નિર્ણયોના કારણે ચીનના લોકો જીવતે જીવ નર્કનો અનુભવ થઇ રહ્યો છે.
ચીનમાં હાલત એ છે કે હોસ્પિટલોમાં સંક્રમિતો સિવાય કોઈને પણ સારવાર મળી રહી નથી. કોઈને હાર્ટ-એટેક આવ્યો ત્યારે તેઓ હોસ્પિટલમાં આવ્યા, પરંતુ સારવાર ન મળતાં તેમનું ત્યાં જ મોત થયું હતું. સગર્ભા સ્ત્રીઓ ડિલિવરી માટે જ્યારે હોસ્પિટલ પહોંચી તો તેમનું બાળક પણ ગર્ભમાં જ મૃત્યુ પામ્યું. જ્યારે કડક પ્રતિબંધાને કારણે કેટલાક લોકો ભૂખથી મરી રહ્યા છે. ઝિયાનમાં 1 કરોડ 30 લાખ લોકો તેમનાં ઘરોમાં બંધ છે. મોટા ભાગના લોકો પાસે જીવનજરુરી ચીજવસ્તુઓ પણ નથી. બાળકોને દૂધ અને વૃદ્ધોને દવા પણ આપવામાં આવતી નથી. ભોજનની શોધમાં નીકળેલા લોકોની ધરપકડ કરીને તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. ઈન્ટરનેટ પર ખૂબ જ કડક દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી કોઇ પોસ્ટથી સરકારની છબિ ખરાબ ન થાય.
સખતાઈ માટે હજારો કર્મચારીઓ અને સુરક્ષા દળો કંટ્રોલ રૂમથી લઈને શેરીઓમાં તહેનાત છે. સવાલ કરવાનો અધિકાર ચીનમાં પહેલાં પણ નહોતો અને હવે તો સહેજ પણ અધિકાર નથી. એક સરકારી પ્રચાર ચાલી રહ્યો છે – બધું ઠીક છે, કોરોના કાબૂમાં છે. પણ હકિકત એ છે કે લોકો મરવા માટે મજબૂર બની ગયા છે.