ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે. આજથી રાજ્યમાં ધોરણ 1થી 5ની સ્કૂલો ઓફલાઈન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. શિક્ષણમંત્રી વાઘાણીએ સુરતમાં જાહેરાત કરી હતી. જોકે હાજરી મરજિયાત રાખવામાં આવી છે.
કોરોનાકાળમાં છેલ્લા બે વર્ષ જેટલા સમયથી બંધ રહેલી પ્રાથમિક શાળાના 1થી 5 ધોરણના ઓફલાઈન વર્ગો આવતીકાલથી શરૂ થશે. પ્રેસ કોન્ફરન્સમાં શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યું કે ઘણા સમયથી શાળાના વર્ગો બંધ છે. ત્યારે કોરોના હવે હળવો પડતા આવતીકાલથી ખુલતા દિવાળી બાદના સત્રોમાં ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવામાં આવશે. જેમાં તમામ શાળાઓએ એસઓપીનું પાલન કરવાનું રહેશે. બાળકોની ઉંમર નાની હોવાથી વધારે તકેદારી રાખવાની રહેશે.
આ અગાઉ સરકારે શાળાઓમાં ધોરણ 6થી 8ના વર્ગો 2 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં 50 ટકાની સંખ્યા સાથે વર્ગો શરૂ કરવા અંગે મંજૂરી આપવામાં આવી છે. ઓફલાઇન સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ જ છે. સરકાર તરફથી સૂચનાઓનું સરકારી અને ખાનગી શાળાઓએ પાલન કરવાનું રહેશે.